નામદાર મહારાણીના નિધનથી દેશને મોટો આઘાત લાગ્યો છે. જાહેર સેવા અને ફરજના સર્વોચ્ચ ઉદાહરણ સમાન ક્વીને અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવાનું ચાલુ રાખ્યું હતું. પોતાના નિધનના થોડા જ દિવસ પહેલાં તેમણે વડાંપ્રધાન લિઝ ટ્રસની નિયુક્તિ કરી હતી. સમગ્ર દેશ માટે ક્વીન અને રાજાશાહી 100 જેટલાં વર્ષ સુધી જારી રહી હતી. તેમનામાં દેશને એકજૂથ રાખવા અને તમામ વર્ગ તથા પેઢીને એકસાથે લાવવાની ગજબની ક્ષમતા હતી. સદ્દભાગ્યે મને ક્વીનના મિનિસ્ટર ઓફ ક્રાઉન તરીકે સેવા કરવાની તક મળી. તેમને જ્યારે પણ મારી જરૂર વર્તાઇ ત્યારે હું હાજર રહ્યો છું. વિવિધ દેશોના વડાઓને ક્વીનના પ્રતિનિધિ તરીકે આવકારવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. તે એક મોટી જવાબદારી હતી. આમ તો આ કાર્ય ઘણું બોજારૂપ છે પરંતુ મને યાદ છે કે ક્વીન પર આ દેશની જવાબદારીનો જે મોટો બોજો છે તેનો નજીવો હિસ્સો હું વહન કરી રહ્યો હતો.
આ એક એવો સમય છે જ્યારે જનતા અને રાજનીતિ સૌથી વધુ વિભાજિત છે ત્યારે ક્વીને તેમના નિધન દ્વારા પણ દેશને એકજૂથ કરવામાં મદદ કરી છે. આપણે તેમના મૂલ્યોને યાદ કરીએ જેમણે તેમને વિશેષ વ્યક્તિત્વ બનાવ્યાં હતાં. હજુ થોડાં સમય પહેલાં જ આપણે નામદાર મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરી હતી. લોકોએ એકજૂથ થઇને દેશના સૌથી લાંબા સમય સુધી રાજ કરનાર રાજવીની પ્લેટિનમ જયંતિની ધૂમધામથી ઉજવણી કરી હતી. નામદાર મહારાણી આપણા દેશના ઇતિહાસના મહાન અવતાર હતા. એલિઝાબેથ યુગ જનતા અને ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમના અફર નિર્ણયો તેમને જનતાના સંપુર્ણ રાજવી તરીકે પ્રસ્થાપિત કરે છે. ક્વીન આપણી પૃથ્વીના સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ હતાં. તેમના દરેક કાર્યમાં જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જોવા મળતી હતી. તેઓ બ્રિટિશ આત્માની દીવાદાંડી હતાં. તેમણે બ્રિટનની પ્રતિષ્ઠા સંરક્ષિત કરવાની સાથે સુધારી હતી. દરેક સંસ્કૃતિ, ધર્મ અથવા પરંપરાના લોકોને તેમણે સન્માન અને વિવેક સાથે આવકાર્યા છે.
કોમનવેલ્થના વડા તરીકે ક્વીન ભારતીયો અને આફ્રિકનોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ એકતા, સહિષ્ણુતા અને પ્રેમનું જીવતું જાગતું પ્રતિક હતાં. આપણે યુગાન્ડાના એશિયનોના દેશનિકાલની 50મી વરસી મનાવી રહ્યાં છે ત્યારે ક્વીનનું નિધન વધુ વિશેષ બની જાય છે. આપણને બ્રિટનને આવકારવામાં અને કોમનવેલ્થના તાંતણે આપણે કેવી રીતે બંધાયેલાં છીએ તે યાદ અપાવવામાં તેમણે વિશેષ ભુમિકા ભજવી હતી.
આજીવન સેવાના કાર્યકાળમાં નામદાર ક્વીને સારા અને બદતર સમયનો સામનો કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધના ભયાનક અનુભવોથી માંડીને 1966માં વિશ્વકપમાં વિજય, ખાડી અને ફોકલેન્ડના યુદ્ધ, 2012માં લંડનમાં ઓલિમ્પિકની યજમાની કે કોરોના મહામારી હોય ક્વીન ડગલે અને પગલે આપણી સાથે રહ્યાં હતાં. તેમની મક્કમતા અને સાહસ શ્રેષ્ઠ બ્રિટિશરને રજૂ કરતાં હતાં.
મહારાણીના નિધન બાદ બ્રિટન હવે એવો જ રહેવાનો નથી. આપણામાંના ઘણાને તેમની મોટી ખોટ વર્તાશે. આપણે હવે તેમનો સાક્ષાત્કાર ક્યારેય કરી શકવાના નથી. હવે આપણે તેમની સૌમ્યતા અને અન્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે. આ વિશ્વમાં બહુ ઓછા લોકો છે જેમને આટલું સન્માન, પ્રશંસા અને પ્રેમ પ્રાપ્ત થયાં છે. તેમણે જે રીતે પોતાની સેવા અને ફરજો નિભાવી અને આપણને સશક્ત કર્યાં તેના માટે તેઓ આ પ્રેમના હકદાર છે. આપણે તેમને આપણા મહાન દેશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં નથી પરંતુ બ્રિટનને મહાન બનાવવા માટે સન્માન આપીએ છીએ. તેઓ ફક્ત એક દેશના રાણી નહીં પરંતુદેશની જનતાના રાણી બની રહ્યાં હતાં.
બીજા એક એલિઝાબેથ યુગનું સમાપન થયું છે – લોર્ડ ડોલર પોપટ
ફક્ત ભારત જ નહીં પરંતુ યુગાન્ડા અને ઇસ્ટ આફ્રિકાથી આવેલા ભારતીયોએ બ્રિટનમાં સફળ કારકિર્દીઓનું ઘડતર કર્યું છે. તેવા જ ભારતીયો પૈકીના એક લોર્ડ ડોલર પોપટ કહે છે કે મને યાદ છે કે એક કિશોર તરીકે હું ક્વીન અને બ્રિટનની જનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે હું ઘણું સાંભળતો હતો. તે સમયે મેં કલ્પના પણ કરી નહોતી કે મને ક્વીન સાથે મુલાકાતનું સદ્દભાગ્ય પ્રાપ્ત થશે. જનતા પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના જીવનકાળમાં તેમણે મુલાકાત લીધી છે તેવા દેશો અંગેની વાતો યાદ રાખવાની ક્ષમતાની અનુભૂતિ કરવાની તક મળશે. ઘણા વર્ષો પછી મને નામદાર મહારાણીની સરકારમાં મિનિસ્ટર ઓફ ધ ક્રાઉન તરીકે કામ કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું. તે સમયે હું પહેલો બ્રિટિશ ભારતીય હતો જે લોર્ડની પદવીની રાહ જોઇ રહ્યો હતો. સમગ્ર વિશ્વમાં મહારાણીના જેટલી ઓળખ અને સન્માન અન્ય કોઇ વ્યક્તિ ધરાવતી નથી. આવો આપણે બધાં આપણા જીવનો પર મહારાણીએ કરેલી અસરોને યાદ કરીએ અને તેમના જીવાઇ ગયેલા અદ્દભૂત જીવનને વધાવી લઇએ. દીર્ધકાલિન કાર્યકાળમાં ક્વીન દેશના દાદીમા બની ગયાં અને સમગ્ર વિશ્વના લોકો તેમને ચાહતાં હતાં. વિશ્વભરના લોકોના હૃદયમાં તેમનું આગવું સ્થાન જળવાઇ રહેશે. આજે બ્રિટન, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વ મહારાણીના નિધનનો શોક મનાવી રહ્યાં છે. બીજા એક એલિઝાબેથ યુગનું સમાપન થયું છે. આ યુગ જનતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. જે રીતે તેમણે બ્રિટનનું નેતૃત્વ કર્યું છે તે તેમને સંપુર્ણ રાજવી પૂરવાર કરે છે.


