લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય નવમી સપ્ટેમ્બરે બ્રિટન પર સૌથી લાંબો સમય શાસન કરનારા રાજવી બની જશે. આ નિમિત્તે મુખ્ય રાજકીય પક્ષોનાં નેતાઓ હાઉસ ઓફ કોમન્સમાં ક્વીનના સૌથી લાંબા શાસનને બિરદાવતા પ્રવચનો કરશે. ડેવિડ કેમરન અને લેબર પાર્ટીના કાર્યકારી નેતા હેરિયેટ હર્માન ૯ સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આદરાંજલિ અર્પણ કરશે, જેઓ આ દિવસે તેમનાં દાદી ક્વીન વિક્ટોરિયાના ૬૩ વર્ષ અને ૨૧૬ દિવસના દીર્ઘ શાસનનો વિક્રમ તોડશે. ક્વીન એલિઝાબેથ આગામી બુધવારે સાંજે ૬.૩૦ કલાકે ઈંગ્લેન્ડના રાજા અને રાણીઓમાં સૌથી લાંબા સમયના ૪૧મા શાસક બનવાના છે. ક્વીને રાજગાદી પર તાજપોશીના ૨૩,૨૨૬મા દિવસે કોઈ સત્તાવાર ઉજવણી નહિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેઓ આ દિવસે બોર્ડર્સ રેલવેના ઉદ્ઘાટન માટે સંમત થયાં છે. તેઓ એડિનબરામાં વેવર્લી સ્ટેશનથી પ્રિન્સ ફિલિપ અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન સાથે સ્ટીમ ટ્રેનમાં મુસાફરી કરશે. આગામી વર્ષે ક્વીનના ૯૦મા જન્મદિનની જોરશોરથી રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન કરાયું છે.
કોમનવેલ્થ રાષ્ટ્રોનાં રાણી અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડનાં સુપ્રીમ ગવર્નર કહેવાતાં એલિઝાબેથનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના થયો હતો અને પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાનાં નિધન બાદ છ ફેબ્રુઆરી, ૧૯૫૨માં ઈંગ્લેન્ડની ગાદી પર આવ્યાં અને ૨ જૂન, ૧૯૫૩ના તેમનો રાજ્યાભિષેક થયો હતો. નવમી સપ્ટેમ્બર સુધી ગાદી પર રહી ક્વીન એલિઝાબેથ દાદી ક્વીન વિક્ટોરિયાના ૬૩ વર્ષ અને સાત મહિના રાજ્ય કરવાના અંગ્રેજ રાજવીઓના વિક્રમને વળોટી જશે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય રાણી બન્યાં ત્યારે તેમની વય ૨૫ વર્ષની હતી. વર્ષ ૧૦૬૬માં હેસ્ટીંગ્સની લડાઈમાં વિજય મેળવીને ‘વિલિયમ ધ કોન્કરર’ના હાથમાં ઈંગ્લેન્ડનો તાજ આવ્યો ત્યારથી માંડીને રાજવી ખાનદાનમાં રાણી એલિઝાબેથ ઈંગ્લેન્ડનાં ૪૦મા શાસક છે.
જોકે, બ્રિટિશ પ્રજા શાહી પરિવારની ઘણી અંતરંગ બાબતોથી હજુ અજાણ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય વિશે ઓગસ્ટમાં સત્તાવાર બાયોગ્રાફી રજૂ થઈ છે. આ ઉપરાંત, લેખક થોમસ બ્લાઈકીના પુસ્તક ‘What A Thing To Say To The Queen: A Collection Of Royal Anecdotes From The House Of Windsor’માં પણ શાહી પરિવાર સાથેના નિકટતમ ખાનગી સૂત્રો દ્વારા પ્રાપ્ત અવનવી જાણકારી આપવામાં આવી છે. ક્વીન ઘણાં હાજરજવાબી અને ટીખળી પણ છે. તેમની ટીપ્પણીઓ પણ માણવાલાયક છે.
• ક્વીન વિક્ટોરિયા તેમના ૬૩ વર્ષ સાત મહિના અને બે દિવસના શાસનમાં ભાગ્યે જ યુરોપની બહાર નીકળ્યાં હતા. તેમનું એકહથ્થુ શાસન ૭૦થી વધુ દેશો પર હતું, જ્યારે એલિઝાબેથ દ્વિતીયની હકુમત માત્ર ૧૬ પ્રદેશ પર ચાલે છે. આમ છતાં તેમણે ૨૬૫ સત્તાવાર મુલાકાતોમાં ૧૧૬ દેશનો પ્રવાસ ખેડ્યો છે. આ મુદ્દે તેઓ ક્વીન વિક્ટોરિયાથી ઘણાં જ આગળ છે.
• ક્વીન પોતાના મિત્રો સાથે વિન્ડસર કેસલમાં ભોજન લઈ રહ્યાં હતાં ત્યારે પસાર થતાં વિમાનની ઘરઘરાટી પરથી તેમણે ‘બોઈંગ ૭૪૭’ એમ કહી ઉમેર્યું હતું કે ‘આ એરબસ છે.’ વિન્ડસર હીથ્રો એરપોર્ટની તદ્દન નજીક છે અને કેસલ પરથી અસંખ્ય વિમાન ઉડતાં રહેવાથી ક્વીન તેના અલગ અલગ અવાજથી વિમાનને ઓળખી કાઢે છે.
• સામાન્ય રીતે બ્રિટિશ તાજ એટલે કે ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન ટાવર ઓફ લંડનમાં પ્રદર્શન માટે રખાય છે. પાર્લામેન્ટના સત્તાવાર ઓપનિંગ માટે ક્વીન આ તાજ પહેરે છે. જો રીહર્સલ કરવા માટે સંજોગોવશાત તાજ મળી શકે તેમ ન હોય તો ક્વીન તેની જેટલા જ વજનની લોટની કોથળી માથા પર મૂકીને રીહર્સલ કરે છે.
• કિંગ એડવર્ડ સાતમાએ ફીશ નાઈવ્ઝને ‘અતિ સામાન્ય’ ગણાવ્યા પછી રોયલ પેલેસીસમાં ફીશ નાઈવ્ઝ રખાતા નથી.
• પોતાની સુપર હ્યુમન શક્તિઓ માટે પ્રસિદ્ધ વડા પ્રધાન માર્ગારેટ થેચરને સતત બે વર્ષ બકિંગહામ પેલેસ ખાતેના ડિપ્લોમેટિક રીસેપ્શનમાં બેસી જવું પડ્યું હતું. જોકે, ક્વીન તો ઉભાં જ રહ્યાં હતાં. તેમણે આર્ચબિશપ ઓફ કેન્ટરબરીને ખાનગીમાં ‘જહાજ ફરી ડૂબી ગયું’ મતલબની તોફાની ટીપ્પણ કરી હતી.
• ટોની બ્લેરે પોતાના વડા પ્રધાન પદના આરંભ કાળમાં ‘કૂલ બ્રિટાનિયા’ લોન્ચ કર્યુ હતું. આ સમયે પણ ક્વીન મધરે તોફાની ટીપ્પણમાં કહ્યું હતું, ‘ગરીબ બિચારી બ્રિટાનિયા, તેણે કૂલ (ઠંડા) રહેવાનું તિરસ્કાર્યું જ હોત!’
• વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગેલેરી ઓફ આર્ટની મુલાકાત વેળાએ ક્વીને તેના ડિરેક્ટરને કહ્યું હતું,‘મને લંડનમાં વેચાણમાં મૂકાયેલા મોનેટને ખરીદવું ચોક્કસ ગમે, પરંતુ મને તે પરવડી શકે તેમ નથી.’
• પોતાનાં ૧૯૫૩-૫૪ના કોરોનેશન (ગાદીરોહણ) પ્રવાસમાં અનેક ગરમ દેશોની મુલાકાત પણ લીધી હતી. ગળામાં નિશાનીઓ પડી ન જાય તે માટે કોઈની નજર ન હોય ત્યારે ક્વીન ઘણી વખત તેમની મોતીમાળાને હાથથી ઊંચી કરી લેતાં હતાં.
• કોરોનેશન પ્રવાસના યુએસ તબક્કામાં એફબીઆઈના એજન્ટ્સ વધુ પડતા ઉત્સાહી હતા. ગ્રીન સાટિનના ઈવનિંગ ડ્રેસમાં એક મહિલા એજન્ટે ક્વીનની પાછળ લેડિઝ રુમમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. જોકે, ક્વીનના લેડી-ઈન-વેઈટિંગ મેરી મોરિસને તેને દૂર રાખવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
• બાળપણમાં ક્વીન અને તેમની બહેન માર્ગારેટને મેથ્સ મુશ્કેલ લાગતું હતું. દાદીમા ક્વીન મેરીએ ત્યારે ટીપ્પણી કરી હતી કે બેમાંથી કોઈને કદી ઘરના હિસાબકિતાબ રાખવાના નથી. આ પછી, તેમના અભ્યાસમાં ઈતિહાસને પ્રાધાન્ય અપાયું હતું.
• ક્વીન મધર દરરોજ સવારે ગ્લાસ ભરીને તાજું દૂધ પીએ છે. કદાચ તેમનાં દીર્ઘજીવનનું આ જ રહસ્ય છે!
• ડ્યૂક ઓફ એડિનબરા એક વખત કોર્નવોલમાં લેખિકા ડાફેન દ મોરિયરના નિવાસે રોકાયા હતા. તેમનો અંગત ચાકર રાત્રે પહેરવાનો પાયજામો મૂકવાનું ભૂલી ગયો હશે તેમ માની હંગામી ચાકરે બીજા પાયજામા લાવવાની ઓફર કરી ત્યારે પ્રિન્સ ફિલિપે અટ્ટહાસ્ય કરતા કહ્યું હતું કે,‘હું તો આવું કશું પહેરતો જ નથી!’
• ક્વીન ૧૯૬૩માં રોયલ વેરાઈટી શોમાં ધ બીટલ્સને મળ્યાં હતાં. આ પછીનો શો ક્યાં છે તેવો પ્રશ્ન કરતા પોલ મેક્કાર્ટીએ ઉત્તર વાળ્યો, ‘સ્લાઉ, મે’મ’ વિન્ડસર ખાતેના શાહી નિવાસને ધ્યાનમાં રાખી ક્વીને આનંદ સાથે કહ્યું, ‘અરે, આ તો અમારી નજીક જ છે!’
• ન્યુઝપેપર અથવા ટિન ફોઈલમાં વીંટાળીને ક્વીન મધરને ફૂલોની ભેટ આપતા નાગરિકોને તરફ તેઓ વિશેષ ધ્યાન આપતાં હતાં. ક્વીન એમ ધારી લેતાં હતાં કે આ લોકો ગેરેજમાંથી ફૂલો લાવવાના બદલે જાતે જ ચૂંટીને લાવતા હતા.
• ૧૯૮૧માં પ્રિન્સ ઓફ વેલ્સ અને ડાયેનાની સગાઈ થયા પછી ક્વીને બકિંગહામ પેલેસના મ્યુઝિક રુમમાં ટેપ-ડાન્સિંગ લેસન્સ શીખવા દરમિયાન પાર્કેટને નુકસાન પહોંચાડ્યું હતું.
• ક્વીનને પેપર ગ્રાઈન્ડરનો સંગ્રહ કરવાનો શોખ છે. તેમનું ફેવરિટ પેપર ગ્રાઈન્ડર ‘પ્લાસ્ટિક વેઈટર’ ઈટાલીના રેસ્ટોરાંના મિત્ર તરફથી ભેટ અપાયું છે. પ્લાસ્ટિક વેઈટરમાં પેપર માટે માથું ફેરવવામાં આવે ત્યારે ઈટાલિયન લઢણમાં જોક મારતો હોય તેમ ‘યુ આર બ્રેકિંગ માય નેક!’ એમ જોરથી ચીસ પાડે છે.
• યુવાન પ્રિન્સેસ એલિઝાબેથે એક વખત વિરોધ દર્શાવવા માથા પર શાહીની બોટલ ખાલી કરી નાખી હતી કારણ કે તેમનાં ફ્રેન્ચ લેસન્સમાં ક્રિયાપદોથી પાનાઓ લખીને ભરવા સિવાય કશું આવતું જ ન હતું.
• ડિનર લીધાં પછી ક્વીનને આરામથી વાતોમાં પરોવાઈ રહેવું પસંદ નથી. તેઓ પોતાના પર આવેલાં નાગરિકોના પત્રો વાંચવા પસંદ કરે છે. તેઓ આ પત્રો વિશાળ બાસ્કેટ્સમાં મૂકી રાખે છે. લોકોના ચિત્રવિચિત્ર પત્રોમાં તેમના ઘર નજીક બતકના બચ્ચાં સેવાયાં છે, સ્થાનિક ઓથોરિટીએ ગટરના ઢાંકણાં બદલ્યાં નથી કે તેમને રાજાશાહી અથવા સરકાર ગમતી નથી સહિતના લખાણ હોય છે.
• વિન્ડસર મિલ્ક બોટલ્સ પર દંતકથારુપ E.R. શબ્દો અંકિત થયેલાં જોયાં પછી જ એલિઝાબેથને ક્વીન હોવાની સાચી અનુભૂતિ થઈ હતી.
• ડ્યુક ઓફ એડિનબરાની માતા પ્રિન્સેસ એલિસનું ૧૯૬૯માં નિધન થયું ત્યારે તેમની એસ્ટેટમાં માત્ર ત્રણ ડ્રેસિંગ ગાઉન્સ જ હતાં.
• ક્વીને રાજ્યારોહણ પછી પ્રથમ ભોજન યુગાન્ડામાં એન્ટેબી જતા વિમાનમાં કર્યું હતું. તેમને વેનિઝન, બતક, હેમ, ઓરેન્જ સોસ, બાફેલાં ઈંડા, સલાડ, સ્ટોબેરીઝ અને ક્રીમ પીરસાયાં હતાં.
• ક્વીનના પ્રાઈવેટ સેક્રેટરી માર્ટિન ચાર્ટેરીસે એક પ્રવચન મુસદ્દો લખ્યો હતો, જેમાં તેમણે ‘મને આજે બર્મિંગહામમાં આવવાની ઘણી ખુશી થઈ છે.’ બોલવાનું હતું. ક્વીને ‘ઘણી’ શબ્દ કાઢી નાખ્યો હતો.
• સગાઈ સમયે પ્રિન્સ ફિલિપ તેમના દાદીમા સાથે કેન્સિંગ્ટન પેલેસમાં રોકાયા હતા. આ ખંડેર જેવા નિવાસમાં કાર્પેટ પણ ન હતી. દાદરામાં વારંવાર અવાજ આવતો હોવાથી પ્રિન્સને રાત્રે આવતા મોડું થાય તો દાદીમા જાગી ન જાય તે માટે છત પર ચડીને નીચે આવવું પડતું હતું.
• પ્રિન્સ ચાર્લ્સને ડિનર પાર્ટીઓમાં ઝોકાં મારી લેવાની ટેવ છે. તેમની આદત જાણતી યજમાન સન્નારીઓ વાતો ચાલુ રાખતી અને કોઈનું ધ્યાન જતું નહિ. માત્ર બે મિનિટ ઝોકું ખાઈ લીધા પછી પ્રિન્સ તરોતાજા બની જતા હતા.
• એક ક્રિસમસના દિવસે કમનસીબ જુનિયર ચાકર ફ્રેઝર માર્લ્ટન થોમસને એમ લાગ્યું કે ક્વીન ટેબલ પરથી ઉભાં થઈ રહ્યાં છે. જોકે, ક્વીન ફરીથી ખુરશી પર બેસી ગયાં તે અગાઉ તો ચાકરે ખુરશી ખસેડી લીધી હતી. ફ્લોર પર પડી ગયેલાં ક્વીનને ઈજા તો ન થઈ પણ પરિવારના સભ્યો સાથે તેમણે આ ઘટનાની રમૂજ માણી લીધી હતી.
• સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લાહ બાલ્મોરલની મુલાકાતે આવ્યા ત્યારે ક્વીને એસ્ટેટ બતાવવા ડ્રાઈવ કરવાની ઓફર કરી હતી. ક્વીન ખુદ ડ્રાઈવ કરે તેવો ખ્યાલ જ સાઉદી કિંગને ન હતો. તેમના દેશમાં સ્ત્રીને વાહન હંકારવાની છૂટ નથી. ક્વીન તો જોરદાર વળાંકો પર કાર હંકારવા સાથે સાઉદી કિંગ સાથે એટલી ઝડપે વાતચીત કરતા રહ્યાં કે તેમણે દુભાષિયા દ્વારા વાહન ધીમે હંકારવા વિનંતી કરવી પડી હતી.
• રોયલ હેન્ડબેગમાં શ્વાન અને અશ્વના લઘુચિત્રો અને ફેમિલી ફોટો સહિત બાળકોએ આપેલા ગુડ લક પ્રતીકો રખાય છે. આ હેન્ડબેગનું બીજુ પણ કાર્ય છે- તે સાંકેતિક સાધન પણ છે. તેને ડિનર ટેબલ પર મૂકવાનો અર્થ છે કે ‘હું પાંચ મિનિટમાં જવા ઈચ્છું છું.’ એક હાથથી બીજા હાથમાં હેન્ડબેગ ફરતી રહેવાનો સંકેત છે કે,‘હવે બીજા સાથે વાતચીત કરવાનો સમય થયો છે.’