ક્વીન એલિઝાબેથ દ્વિતીય લોકપ્રિયતા સર્વેમાં પ્રથમઃ મેગન કરતાં કેટ વધુ લોકપ્રિય

Wednesday 21st August 2019 03:46 EDT
 
 

લંડનઃ યુકે અને યુકેની બહાર પણ બ્રિટિશ રાજપરિવાર ભારે લોકપ્રિયતા ધરાવે છે. શાહી ખાનદાનના સભ્યોમાં પણ સૌથી લોકપ્રિય કોણ છે તકેના વિશે સર્વેક્ષણ થતાં રહે છે. યુગવ દ્વારા તાજા સર્વે અનુસાર ક્વીન એલિઝાબેથ દ્વિતીય આ વર્ષે લોકપ્રિયતાના શિખર પર છે. શાહી ખાનદાનની બે વહુઓમાં ડચેસ ઓફ કેમ્બ્રિજ એટલે કે કેટ મિડલટન ચોથા ક્રમે અને પૂર્વ અભિનેત્રી અને ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલ છઠ્ઠા ક્રમે છે. જોકે, બંને ડ્યૂક્સની બાબતમાં આથી ઉલ્ટું છે. ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ કરતા ડ્યૂક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી લોકપ્રિયતામાં આગળ છે.

યુગવ દ્વારા જૂન ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ૯,૦૦૦ લોકોના મત મેળવાયા હતા. આ તાજા લોકપ્રિયતા સર્વે મુજબ ૯૨ વર્ષનાં ક્વીન એલિઝાબેથ ૭૨ ટકા મત સાથે પ્રથમ ક્રમે છે જ્યારે પ્રિન્સ હેરી ૭૧ ટકા મત સાથે દ્વિતીય તેમજ પ્રિન્સ વિલિયમ ૬૯ ટકા મત સાથે ત્રીજા ક્રમે આવે છે. ગયા વર્ષે ૭૭ ટકા મત સાથે પ્રિન્સ હેરીએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. બ્રિટિશરોમાં પ્રિન્સ હેરી આજે પણ લોકપ્રિય છે. માત્ર નવ ટકા બ્રિટિશરોએ તેના વિશે નેગેટિવ મત આપ્યો હતો જ્યારે ૧૭ ટકા તટસ્થ રહ્યા હતા. પ્રિન્સ વિલિયમે ગત વર્ષે ૭૩ ટકા મત મેળવ્યા હતા, જેમાં આ વર્ષે ઘટાડો થયો છે.

૩૭ વર્ષનાં ડચેસ ઓફ કેમ્બ્રિજ એટલે કે કેથેરાઈન મિડલટન ૬૪ ટકા પોઝિટિવ મત સાથે ચોથા ક્રમે છે. ગયા વર્ષે પણ તેમણે આ ક્રમ મેળવ્યો હતો. પૂર્વ અમેરિકન અભિનેત્રી અને ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલ ૪૯ ટકા મત સાથે છઠ્ઠા ક્રમે છે. ગયા વર્ષે પણ તેનો ક્રમ છઠ્ઠો જ હતો પરંતુ, સરખામણીએ તેના પોઝિટિવ મતમાં છ ટકા મતનો ઘટાડો થયો છે.

પ્રિન્સ ફિલિપ (૫૪ ટકા) પાંચમા ક્રમે અને પ્રિન્સ ચાર્લ્સ (૪૮ ટકા) સાતમા ક્રમે રહ્યા છે. જોકે, ડચેસ ઓફ કોર્નવોલ કેમિલ્લા ૨૯ ટકા પોઝિટિવ મત સાથે ૧૧મા ક્રમે આવ્યાં હતાં.

--------------------------------------

યુકેમાં સૌથી લોકપ્રિય શાહી સભ્ય

નામ                             લોકપ્રિય મત

ક્વીન એલિઝાબેથ દ્વિતીય                  ૭૨

પ્રિન્સ હેરી                                      ૭૧

પ્રિન્સ વિલિયમ                                ૬૯

કેટ, ડચેસ ઓફ કેમ્બ્રિજ                       ૬૪

પ્રિન્સ ફિલિપ                                    ૫૪

મેગન,ડચેસ ઓફ સસેક્સ                    ૪૯

પ્રિન્સ ચાર્લ્સ                                      ૪૮

પ્રિન્સેસ એન                                     ૪૬

ઝારા ફિલિપ્સ                                     ૪૨

સોફી, કાઉન્ટેસ ઓફ વેસેક્સ                    ૨૯

કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલ                      ૨૯

પ્રિન્સ એડવર્ડ                                       ૨૬

પ્રિન્સેસ યુજિન                                     ૨૫

પ્રિન્સેસ બીટ્રીસ                                   ૨૪

પ્રિન્સ એન્ડ્રયુ                                     ૨૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter