લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની હોમ પાર્ક, વિન્ડસર કેસલ ખાતે ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરાઈ છે. ક્વીન એલિઝાબેથ ૨૦૧૬ના એપ્રિલની ૨૧મી તારીખે ૯૦ વર્ષના થશે ત્યારે મે મહિનામાં ચાર દિવસની ભવ્ય ઉજવણીની ૨૫,૦૦૦ ટિકિટોનું વેચાણ ૨૪ નવેમ્બરથી ચાલુ કરી દેવાયું હોવાની જાહેરાત બકિંગહામ પેલેસ દ્વારા કરાઈ હતી. ટિકિટના વેચાણના આરંભની ૩૦ મિનિટમાં જ ૪,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ હતી. ઉજવણી નિમિત્તે થનારાં કાર્યક્રમમાં ૯૦૦ અશ્વ અને ૧,૫૦૦ પરફોર્મર્સ ભાગ લેવાના છે. મે મહિનાની ૧૨,૧૩ અને ૧૪ તારીખોએ બેઠકની કિંમત £૫૫થી £૧૬૫ સુધીની રખાઈ છે, જ્યારે ૧૫ મેએ ખુદ ક્વીન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠકની કિંમત £૭૫થી £૧૯૫ સુધીની રહેશે. પ્રિન્સ ચાર્લ્સ આ ઉજવણીના પેટ્રન છે, જ્યારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને BTના ચેરમેન CBIના પ્રેસિડેન્ટ સર માઈ રેક હશે.
ક્વીનની ૯૦મી વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે આગામી મે મહિનાની ૧૨થી ૧૫ તારીખના ગાળામાં હોમ પાર્ક, વિન્ડસર કેસલ ખાતે ભવ્ય રંગમંચ સમારંભનું આયોજન કરાયું છે. આ રંગમંચ કાર્યક્રમમાં સંગીતકારો, નૃત્યકારો અને વૃંદગાયકો તેમ જ પ્રખ્યાત અભિનેતાઓ અને કળાકારોનો સમાવેશ થાય છે. વિશ્વભરમાંથી આવનારા પરફોર્મર્સ ૯૦ મિનિટના કાર્યક્રમમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અસાધારણ ૯૦ વર્ષની ગાથા કહેશે. આ ગાથામાં તેમના જન્મથી માંડી દ્વિતીય વિશ્વયુદ્ધ અને પ્રિન્સ ફિલિપ સાથે તેમના લગ્ન, રાજ્યારોહણ અને ૬૦થી વધુ વર્ષના શાસનનો સમાવેશ થાય છે. ક્વીનના અશ્વો અને ટટ્ટુઓ, તેમના શ્વાનો અને રેસના કબૂતરો સહિતના પ્રાણીઓનો પણ ઉલ્લેખ કરાશે.
દરેક રાત્રિ સમારંભમાં શાહી પરિવારના સભ્યો હાજરી આપશે, જ્યારે ૨૧ એપ્રિલે ૯૦ વર્ષના થનારા મહારાણી ૧૫ મેના અંતિમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે લોકો ટિકિટ મેળવવા સદભાગી નહિ હોય તેમના માટે આ કાર્યક્રમનું ITV પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. પેલેસના સત્તાવાળાએ જણાવ્યું હતું કે પરફોર્મર્સમાં ફિજિયન આર્મીના ડાન્સર્સ, આઝરબૈજાનના કોસાક રાઈડર્સ, ૧૦૦ મિલિટરી અને કોમનવેલ્થ પાઈપર્સનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું આયોજન ખાનગી ભંડોળમાંથી કરાશે, જ્યારે કાર્યક્રમની ટિકિટોના વેચાણમાંથી મળનારી આવક ક્વીનની વિવિધ ચેરિટીઝને દાનમાં આપી દેવાશે.