ક્વીન એલિઝાબેથ-દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન

બકિંગહામ પેલેસ, રાજવી નિવાસસ્થાનો અને સરકારી ઇમારતો પર યુનિયન જેક અડધી કાઠીએ, સમગ્ર દેશમાં 10 દિવસનો શોક જાહેર કરાયો

Friday 09th September 2022 01:59 EDT
 
 

લંડનઃ બ્રિટન પર 70 વર્ષના સૌથી લાંબાગાળા સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ બીજાનું 8 સપ્ટેમ્બર 2022ના ગુરુવારના રોજ સાંજે 6-30 કલાકે સ્કોટલેન્ડમાં આવેલા બાલમોરલ કેસલ ખાતે 96 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. બંકિંગહામ પેલેસ દ્વારા તેમના નિધનની સત્તાવાર જાહેરાત થતાં જ સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. શુક્રવારે મહારાજા અને મહારાણીના કોન્સોર્ટને લંડન લવાયા હતા. મહારાણીના નિધન સાથે તેમના જયેષ્ઠ પુત્ર અને પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા અને 13 કોમનવેલ્થ પાંખોના વડા તરીકે શોકમાં દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. નવા રાજા સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે. નવા રાજા નિયુક્ત થયેલા કિંગ ચાર્લ્સ ત્રીજાએ શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મારી પ્રિય માતા નામદાર મહારાણીનું નિધન થયું છે. મારા અને મારા પરિવાર માટે આ ક્ષણ અત્યંત દુઃખદાયક છે. અમે તેમના નિધનથી ઘેરા શોકમાં ડૂબી ગયાં છીએ. હું જાણું છું કે, સમગ્ર દેશ કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વના લોકો શોકમાં ગરકાવ થઇ ગયાં છે. મહારાણીને ડોક્ટરો દ્વારા ઓબ્ઝર્વેશનમાં રખાયાના અહેવાલો પ્રાપ્ત થતાં જ તેમના સંતાનો અને પૌત્રો-પૌત્રીઓ પરિવારો સાથે ગુરુવારે આબેરદીન નજીકના બાલમોરલ ખાતે પહોંચી ગયાં હતાં. રાજવી પરિવારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યાં હતાં. બીબીસી વેબસાઇટને બ્લેક કરી નાખવામાં આવી હતી. બીબીસીના ન્યૂઝ રીડર્સે કાળા વસ્ત્રો ધારણ કરી લીધાં હતાં. બીબીસી વન દ્વારા સાંજના 6 કલાક સુધી તમામ નિયમિત કાર્યક્રમો રદ કરી દેવાયાં હતાં. બંકિંગહામ પેલેસ પરનો બ્રિટિશ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને દેશમાં 10 દિવસના શોકની જાહેરાત કરાઇ હતી. મહારાણીના નિધનના સમાચાર મળતાં જ સેંકડો લોકો પેલેસની બહાર એકઠાં થયાં હતાં. મહારાણીને ચાર સંતાન, આઠ પૌત્ર-પૌત્રી અને 12 પ્રપૌત્ર-પ્રપૌત્રી છે.

મહારાણી એક ખડક સમાન જેના પર આધનિક બ્રિટનનું નિર્માણ થયુંઃ લિઝ ટ્રસ

પોતાના કાર્યકાળના 15મા વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની નિયુક્તિ કર્યાના 3 દિવસ બાદ મહારાણીનું નિધન થયું છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે લિઝ ટ્રસે દેશજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, મહારાણીના નિધનના સમાચારથી આપણે અત્યંત વ્યથિત થઇ ગયાં છીએ. મહારાણીના નિધનથી સમગ્ર દેશ અને વિશ્વને મોટો આઘાત લાગ્યો છે. મહારાણી એક ખડક સમાન હતાં જેના પર આધુનિક બ્રિટનનું નિર્માણ થયું હતું. તેમના કારણે જ આજે બ્રિટન એક મહાન દેશ બની શક્યો છે. મહારાણી મારા અને મારા જેવા અન્ય બ્રિટિશરો માટે પ્રેરણાસ્ત્રોત સમાન હતાં. ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા આપણા બધા માટે ઉદાહરણરૂપ છે.

મહારાણીએ બ્રિટન અને તેની જનતાને પ્રેરણાદાયી નેતૃત્વ પુરું પાડ્યુંઃ નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકસંદેશમાં જણાવ્યું હતું કે, નામદાર મહારાણી એલિઝાબેથ બીજાને આપણા યુગના પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરાશે. તેમણે તેમના દેશ અને દેશની જનતાને પ્રેરણાદાયી નેતૃત્વ પુરું પાડ્યું હતું. તેમણે જાહેર જીવનમાં પણ સૌમ્યતા અને ગૌરવની જાળવણી કરી હતી. તેમના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. હું તેમના પરિવાર અને બ્રિટનની જનતાને દિલસોજી પાઠવું છું. 2015 અને 2018માં મારી બ્રિટનની મુલાકાત દરમિયાન નામદાર મહારાણી એલિઝાબેથ બીજા સાથેની મારી મુલાકાતો યાદગાર રહી હતી. હું તેમના ઉષ્માસભર અને સૌમ્ય આવકારને ક્યારેય ભૂલી શકીશ નહીં. અમારી મુલાકાત દરમિયાન તેમણે મને તેમના લગ્નપ્રસંગે ભેટમાં અપાયેલ મહાત્મા ગાંધીનો હાથરૂમાલ બતાવ્યો હતો. હું તે મુલાકાત ક્યારેય ભૂલી શકીશ નહીં.

મહારાણીએ ભારત આઝાદ થયા પછી 3 વાર મુલાકાત લીધી હતી

મહારાણી એલિઝાબેથ બીજાએ ભારત આઝાદ થયા પછી 3 વાર મુલાકાત લીધી હતી. 1961માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મળેલા આમંત્રણને પગલે મહારાણી અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે જયપુરના રાજકુમારે રાજવી મહેમાનો માટે વાઘના શિકારનું આયોજન કર્યું હતું. 1983માં તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના આમંત્રણ પર મહારાણી અને પ્રિન્સ ફિલિપ ભારત આવ્યા હતા અને રાષ્ટ્રપતિભવન ખાતે મધર ટેરેસાનું ઓર્ડર ઓફ મેરિટથી સન્માન કર્યું હતું. ભારતના 50મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મહારાણીની ભારતની મુલાકાત થોડી વિવાદાસ્પદ બની રહી હતી કારણ કે તેઓ જલિયાંવાલા બાગમાં સંબોધન કરવાના હતા. ભારતના નેતાઓએ પણ અવારનવાર મહારાણીની મુલાકાત લીધી છે. 1963માં ડો. રાધાકૃષ્ણન, 1990માં આર વેંકટરમણ અને 2009માં પ્રતિભા પાટિલની મહારાણી સાથે મુલાકાત યોજાઇ હતી. 2015 અને 2018માં એમ બે વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાણી સાથેની મુલાકાતનું આયોજન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter