લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય રાજગાદી પર ૬૫ વર્ષના એકધારા શાસનના સીમાચિહ્ન પર પહોંચનારા પ્રથમ બ્રિટિશ રાજવી બન્યાં છે. ક્વીનની સેફાયર જ્યુબિલિ નિમિત્તે લંડનના ગ્રીનપાર્કમાં પ્રથમ વિશ્વયુદ્ધ સમયેની ફિલ્ડગન સાથે ૪૧ તોપની સલામી તેમજ ટાવર ઓફ લંડન ખાતે ૬૨ રાઉન્ડની ગન સેલ્યુટ આપવામાં આવી હતી. ક્વીનના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાનું ૫૬ વર્ષની વયે ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના દિવસે નિધન થયાં પછી એલિઝાબેથે રાજગાદી સંભાળી હતી. તેમણે ૨૦૧૫માં બ્રિટનમાં સૌથી લાંબું શાસન કરનારા રાજવી તરીકે ક્વીન વિકટોરિયાનો વિક્રમ તોડ્યો હતો.
રવિવારે સેંટ પીટર અને સેંટ પોલ ચર્ચમાં સર્વિસમાં હાજરી આપ્યા પછી ભારે આનંદિત ક્વીને શુભેચ્છકોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે યુનિયન ફ્લેગના સ્કર્ટમાં સજ્જ ત્રણ વર્ષની જેસિકા એટફિલ્ડ ક્વીનને પુષ્પગુચ્છ અર્પણ કરતાં આનંદમાં આવી ગઈ હતી. ક્રિસમસ સમયે ભારે શરદીના કારણે ક્વીન ચર્ચમાં જઈ શક્યા ન હતાં. તેમણે નોર્ફોકની સેન્ડ્રીઘમ એસ્ટેટ ખાતે આ સીમાચિહ્નરૂપ દિવસ ખાનગીમાં વિતાવ્યો હતો.
આ પ્રસંગે વડા પ્રધાન થેરેસા મેએ ક્વીનને અભિનંદન પાઠવી તેમને બધા માટે પ્રેરણાદાયી ગણાવ્યાં હતાં. આ ઐતિહાસિક માઈલસ્ટોનના દિવસે સત્તાવાર ઉજવણી કરવાની તેમની કોઈ ઇચ્છા ન હોવાનું ક્વીને સ્પષ્ટ કર્યું હતું. તે દર્શાવે છે કે ક્વીન દેશ પ્રત્યે નિસ્વાર્થ ભક્તિ ધરાવે છે. થેરેસાએ ઉમેર્યું હતું કે, ‘આજની સેફાયર જ્યુબિલિ આપણા માનીતા ક્વીન માટે વધુ એક નોંધપાત્ર માઈલસ્ટોન છે. તેની ઉજવણીમાં સમગ્ર દેશ મારી સાથે જોડાશે અને ક્વીને આપણા દેશ અને કોમનવેલ્થને જે આજીવન સેવા પૂરી પાડી છે તે માટે આભાર વ્યકત કરશે તે હું જાણું છું.’
બકીંગહામ પેલેસે જણાવ્યું હતું કે ૯૦ વર્ષના ક્વીન એલિઝાબેથ પૂર્વ ઇંગ્લેન્ડમાં તેમની એસ્ટેટ ખાતે શાંતિથી દિવસ ઊજવી રહ્યાં છે, તેઓ એસેશન ડે તરીકે ઓળખાતાં રાજ્યારોહણની વર્ષગાંઠ ઉજવવાં ઇચ્છતાં નથી. કારણ કે આ દિવસ તેમના પિતાના નિધનની પણ વર્ષગાંઠ છે.
બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબાં શાસનનો વિક્રમ ધરાવતાં ક્વીન વિક્ટોરિયાના સિમાચિહ્નને તેમણે ૨૦૧૫માં વટાવ્યું ત્યારે ક્વીન એલિઝાબેથે સમગ્ર દેશનો આભાર માન્યો હતો. તેમણે કબૂલાત કરી હતી કે, ‘આ શાહી વિક્રમની કદી મેં ઈચ્છા રાખી ન હતી. વાસ્તવમાં લાંબા જીવનમાં અનેક માઈલસ્ટોન આવતાં રહે છે અને હું તેમાં અપવાદ નથી.’ ક્વીને ગતવર્ષે તેમનો ૯૦મો જન્મદિન ઊજવ્યો હતો. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં. વર્ષ ૨૦૨૨માં મોટાપાયે પ્લેટિનમ જ્યુબિલીની ઊજવણી થાય તેવી શક્યતા છે અને તે વર્ષે ક્વીન ૯૬ વર્ષના થશે. આ ઉનાળામાં ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પૂર્ણ સમયના શાહી નબીરા તરીકે ક્વીનના વતી વધુ સત્તાવાર ફરજો નિભાવતા થશે.
પરંપરા અનુસાર એસેશન ડે નિમિત્તે લંડનમાં શાહી તોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિંગ્સ ટ્રુપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા ૪૧ તોપની સલામી અપાઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ કાળની ૧૩ પાઉન્ડર ફિલ્ડ તોપોને ૮૯ અશ્વો દ્વારા ગ્રીનપાર્કમાં ખેંચી લવાઈ હતી ત્યારે રોયલ આર્ટીલરીના બેન્ડ દ્વારા ઉજવણી પ્રતિક સમાન સંગીત પીરસવામાં આવ્યું હતું. ટાવર ઓફ લંડન સાથે બપોરે ૧ વાગે ઓનરેબલ આર્ટિલરી કંપની દ્વારા ૬૨ તોપની સલામી આપવામાં આવી હતી.


