લંડનઃ તાજેતરમાં થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદ્યુલયેદજનું ૮૮ વર્ષની વયે બેંગકોકમાં અવસાન થયા પછી હાલ ૯૦ વર્ષના ક્વીન એલિઝાબેથ દ્વિતીયને માત્ર બ્રિટનના જ નહીં પરંતુ, વિશ્વમાં સૌથી લાંબો સમય રાજગાદી સંભાળનારા જીવંત શાસકનું અનપેક્ષિત બહુમાન મળ્યું છે. રાજા ભૂમિબોલના નિધનના પગલે થાઈ સરકારવપં કામકાજ એક મહિના માટે ઠપ કરી દેવાયું છે અને તેપછી દેશમાં એક વર્ષનો શોક પાળવામાં આવશે.
બ્રિટનમાં ૬૪ વર્ષ અને આઠ મહિનાથી શાસન કરતાં ક્વીનને વિશ્વમાં અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા શાસક બનવા માટે હજુ થોડાક વર્ષ લાગશે. તેમને માત્ર ચાર મહિનાની વયે સ્વાઝિલેન્ડના રાજા બનીને ૮૨ વર્ષ અને ૨૫૩ દિવસ સુધી રાજગાદી સંભાળનારા કિંગ સોભુઝા દ્વિતીય કરતાં વધુ સમય માટે શાસન કરવું પડશે.
ક્વીને ચેથામમાં બ્રોમ્પટન બેરેક્સ ખાતે રેજીમેન્ટના ૩૦૦મા સ્થાપના દિને કોર્પ્સ ઓફ રોયલ એન્જિનિયર્સની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ક્વીનનું આગમન થતાં એક વિશાળ વોટર ટેન્કમાં ડાઈવિંગ સ્યૂટ અને ઓક્સિજન માસ્ક સહિતના ઉપકરણોથી સજ્જ બે ડાઈવરોએ ક્વીનને સલામી આપી હતી.


