લંડનઃ બ્રિટનના ૯૦ વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યુ ભર બપોરે નિદ્રા દરમિયાન થયાની જોરદાર અફવા ઓનલાઈન ફેલાતાં થોડો સમય હોબાળો મચી ગયો હતો. જોકે, આ અફવા હોવા છતાં રાણીના મૃત્યુ પછી બ્રિટિશ ગાદીનો તાજ કોને પહેરાવાશે? એ ચર્ચાએ જોર પકડયું છે. શાહી પરિવારે ક્વીન એલિઝાબેથના નિધનના બનાવટી રિપોર્ટ સંબંધે પણ કોઈ જ સત્તાવાર પ્રત્યાઘાત આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે પ્રતિષ્ઠિત ગાર્ડિયન અખબારના બનાવટી નામ સાથેની વેબસાઈટમાં આ રિપોર્ટ પ્રસિદ્ધ થતાં જ બ્રિટન જ નહીં, સમગ્ર યુરોપમાં લોકો આઘાતમાં સરી પડયા હતા. એટલું જ નહિ, અનેક અખબારોની વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં પણ તાજના વારસદારની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. કથિત વેબસાઈટના રિપોર્ટમાં રોયલ પરિવારના પ્રતિનિધિના ક્વોટ સાથે જણાવાયું હતું કે, ક્વીન એલિઝાબેથ છેલ્લાં ઘણાં સમયથી કફ અને છાતીના ઈન્ફેક્શનથી પરેશાન હતાં. આજે સવારે તેમની તબિયત અચાનક જ વધુ બગડી હતી. તેમના ડોક્ટરને પણ બોલાવાયા હતા, પરંતુ બપોરે તેઓ ઊંઘમાં જ શાંતિથી મૃત્યુ પામ્યા છે. જોકે, આ સમાચાર શાહી પરિવારની અન્ય વ્યક્તિ સંબંધિત હતા, જેનું નામ પણ એલિઝાબેથ હતું.
ગયા વર્ષે પણ બીબીસીની ઉર્દુ ભાષા સેવાના રિપોર્ટર અહમેન ખ્વાજાએ ટ્વિટર પર ક્વીનને હોસ્પિટલ લઈ જવાનો રિપોર્ટ પોસ્ટ કર્યો હતો. બીજા ટ્વીટમાં તેણે રાણીનાં મૃત્યુના સમાચાર મૂક્યા હતા. બીબીસી દ્વારા થોડી જ વારમાં ટ્વીટ ડીલિટ કરી દેવાયાં છતાં અનેક મીડિયામાં તે ઝડપથી ફેલાઈ ગયા હતા. અગાઉ, વર્ષ ૨૦૦૨માં પણ બ્રિટીશ અખબારોના આધારે વિશ્વના બીજા અખબારો આવી ભૂલ કરી ચૂક્યા છે. જોકે, આ સમાચારો પછી ફરી એકવાર ચર્ચા શરુ થઈ છે કે, બ્રિટનનો શાહી તાજ કોનપં મસ્તક શોભાવશે? એપ્રિલ ૨૧, ૧૯૨૬ના રોજ લંડનમાં જન્મેલાં એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબુ શાસન કરનારા બ્રિટિશ શાસક છે. કિંગ જ્યોર્જ પાંચમાના અવસાન પછી છઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ તેમના પુત્રી એલિઝાબેથ દ્વિતીયને રોયલ પરિવારના વડા બનાવાયાં હતાં. તેમણે ૧૯૪૭માં પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને ચાર સંતાન છે.


