લંડનઃ આગામી વર્ષે જૂન મહિનામાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા જન્મદિન અને તેમની ૬૩ વર્ષની સેવાની ધામધૂમપૂર્વક ઊજવણી કરાશે. બકિંગહામ પેલેસની નજીક ૧૦ હજાર કરતાં વધુ આમંત્રિત મહેમાનો સાથે લંડનની સૌથી મોટી સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટનો વિચાર ક્વીનના પૌત્ર પીટર ફિલિપ્સને આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર બ્રિટનમાં નાની હજારો સ્ટ્રીટ પાર્ટીઓ પણ યોજાઈ શકે છે. ત્રણ દિવસની ઉજવણીઓ પછી નહિ નફાના ધોરણે ૧૨ જૂને યોજાનારા ઈવેન્ટનો ખર્ચ બૂટ્સ તથા માર્ક્સ એન્ડ સ્પેન્સર સહિતના સ્પોન્સર્સ ઉઠાવશે. ૧૦ જૂને ડ્યુક ઓફ એડનબરાનો ૯૫મો જન્મદિન છે. જોકે, ક્વીનનો સાચો જન્મદિન ૨૧ એપ્રિલે આવે છે.
આ પ્રસંગે આયોજિત પેટ્રન્સ લંચમાં ક્વીન દ્વારા ચલાવાતી ચેરિટીઝના ૭૦૦થી વધુ સભ્યો હાજરી આપશે. આ પાર્ટીમાં ડ્યુક ઓફ એડિનબરા અને રાણીનાં પતિ પ્રિન્સ ફિલિપ તેમજ ઈવેન્ટના જોઈન્ટ ડિરેક્ટર્સ પૌત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી પણ હાજરી આપશે.
આ પાર્ટી ઈવેન્ટ માટે કુલ ૧૦,૦૦૦ ટિકિટો રાખવામાં આવી છે જેમાંની મોટાભાગની ટિકિટો મહેમાનોને વહેંચી દેવામાં આવશે. પરંતુ એક હજાર જેટલી ટિકિટો સામાન્ય લોકો માટે અનામત રાખવામાં આવી છે. પ્રતિષ્ઠિત મહેમાનો સાથે તેઓ આ પ્રસંગે ભાગ લઈ શકે તે માટે બેલેટ સિસ્ટમનો આશ્રય લેવાશે. પાર્ટીમાં ભાગ લઈ ન શકનારા લોકો તેને નિહાળી શકે તે ગ્રીન પાર્ક અને સેન્ટ જેમ્સ પાર્કમાં બે વિશાળ સ્ક્રીન પર તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. માટે શાહી પરિવાર માટે સ્થાનિક લોકોમાં વિશેષ માન હોવાથી રાણીના જન્મદિવસની ઉજવણી ટિકિટો પણ ચપોચપ વેચાઈ રહી છે. શાહી પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભવ્ય સ્ટ્રીટ પાર્ટીમાં કેટલાક પરંપરાગત કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં યુકે ઉપરાંત વિદેશના પણ મહેમાનો ઉપસ્થિત રહેશે.