લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ૨૦૨૨માં ઉજવવામાં આવે તે પહેલાં જ ૯૫ વર્ષીય ક્વીનનું નિધન થાય ત્યારે અંતિમવિધિ કેવી રીતે થશે તેના રિહર્સલની ગુપ્ત વિગતો અને તસવીરો મીડિયામાં લીક થઈ જતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ક્વીનના સ્વાસ્થ્ય મુદ્દે અટકળો શરૂ થઈ ગઈ હતી. ટોપ સીક્રેટ પ્લાન જાહેર થઈ જવાથી તપાસના આદેશો પણ આપી દેવાયા છે. રોયલ પરિવારે પણ સરકારી અધિકારીઓ સમક્ષ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સરકારે કે રોયલ પરિવારે કોઈ જ સત્તાવાર ટીપ્પણી આપવાનો ઈનકાર કર્યો હતો.
ફેબ્રુઆરી ૧૯૫૨થી રાજગાદી સંભાળી રહેલાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૫ વર્ષનાં છે અને તેમનું આરોગ્ય નબળું હોવાની કોઈ નિશાની દેખાતી નથી. ક્વીનના નિધન સમયે કેવું આયોજન કરવું પડશે? કેવી રીતે આખી ઘટના વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે? ક્યારે કયો કાર્યક્રમ યોજાશે? અંતિમયાત્રા કેવી રીતે કાઢવામાં આવશે. કોફિન કેવી રીતે લઈ જવાશે અને એમાં કેટલો સમય લાગશે? એ બધું જ નક્કી કરવા માટે ‘ઓપરેશન લંડન બ્રિજ’ હાથ ધરાયું હતું. સમગ્ર આયોજનમાં કોડવર્ડ્સનો ઉપયોગ કરાયો હતો. ક્વીનના નિધનના દિવસ માટે ‘D Day’ શબ્દ નક્કી કરાયો છે.
ગુપ્ત આયોજન અનુસાર અત્યારે ૯૫ વર્ષના થયેલાં રાણીનું અવસાન થાય તે દિવસે નિધનના સમાચાર સૌથી પહેલાં વડા પ્રધાનને ફોનમાં આપવામાં આવશે. એ પછી પહેલા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે. નવા રાજા કિંગ ચાર્લ્સ પણ દેશને સંબોધન કરશે. બીજા, ત્રીજા, ચોથા દિવસે શું થશે એ બધી જ વિગતોને આખરી ઓપ આપી દેવાયો છે. નિધનના ૧૦મા દિવસે રાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
માતાના અવસાન પછી રાજા બનનારા પ્રિન્સ ચાર્લ્સ રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને વડા પ્રધાન સરકાર વતી નિવેદન જારી કરનારા પ્રથમ સભ્ય બનશે. નિધનની જાહેરાતની ૧૦ મિનિટની અંદર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવી દેવાની સૂચના સરકારી વિભાગોને આપી દેવાઈ છે. કેબિનેટના સભ્યોને પણ આ દુઃખદ સમાચાર આપવામાં આવશે અને તેમને ગુપ્તતા રાખવા જણાવાશે. અન્ય કોઈ સંસદીય કામકાજ ૧૦ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.
નિધનના ૧૦ દિવસ પછી ક્વીનની દફનવિધિ કરાશે અને દફનવિધિ અગાઉ ચાર્લ્સ યુકેનો પ્રવાસ ખેડશે. ક્વીનના અંતિમ દર્શન લોકો કરી શકે તે માટે રાખવામાં આવશે.
ક્વીનના નિધનના દિવસે (D Day) શું થશે?
ક્વીનના પ્રાઈવેટ સેક્રેટરી દ્વારા સૌ પહેલા વડા પ્રધાનને ક્વીનના નિધનના સમાચાર આપવામાં આવશે. પ્રિવી કાઉન્સિલ ઓફિસના સભ્યોને પણ જાણ કરાશે. મિનિસ્ટર્સને ટેલિફોન કરાશે અને વરિષ્ઠ રાજકારણીઓ અને સિવિલ સર્વન્ટ્સને ઈમેઈલ મારફત જાણ કરાશે.
રોયલ હાઉસહોલ્ડ દ્વારા ક્વીનના અવસાનની જાહેર જનતાને જાણ કરતું નોટિફિકેશન જારી કરાશે અને સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર મૂકાશે. તેમના ફ્યુનરલની વિગતો જાહેર કરાશે અને નવા કિંગ ચાર્લ્સ સાંજના ૬ વાગ્યે ટેલિવિઝન પર રાષ્ટ્રજોગ સંબોધન કરશે
વડા પ્રધાન કિંગ સાથે મુલાકાત કરશે. વડા પ્રધાન નિવેદન જારી કરે નહિ ત્યાં સુધી કોઈ ટીપ્પણી નહિ કરવા મિનિસ્ટર્સને સૂચના આપવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા તોપોની સલામીની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર દેશમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે.
-----------------------------------------------
D Day plus ૨: પોલિટિકોના રિપોર્ટ અનુસાર બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે વરિષ્ઠ સરકારી સભ્યો અને પ્રિવી કાઉન્સિલના સભ્યોની બનેલી સત્તાવાર એસેશન કાઉન્સિલ દ્વારા ચાર્લ્સને નવા કિંગ ઘોષિત કરવામાં આવશે. આ ઘોષણાપત્રનું વાચન સેન્ટ જેમ્સ પેલેસ અને રોયલ એક્સચેન્જ ખાતે કરાશે જ્યારે સંસદસભ્યો શ્રદ્ધાંજલિ અર્પવા હાઉસ ઓફ કોમન્સમાં એકત્ર થશે.
વડા પ્રધાન અને કેબિનેટના સભ્યો તેમના પાર્ટનર્સને સાથે લીધા વિના બપોરે ૩.૩૦ વાગ્યે ચાર્લ્સની મુલાકાત લેશે.
ક્વીનના કોફિનને બકિંગહામ પેલેસ લઈ જવાશે. જો અવસાન સમયે ક્વીન સાન્ડ્રિન્ઘામમાં હશે તો તેમના મૃતદેહને રોયલ ટ્રેન મારફત સેન્ટ પાનક્રાસ લઈ જવાશે જ્યાં વડા પ્રધાન અને કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહેશે. જો ક્વીન બાલ્મોરલમાં હશે તો વિમાનમાર્ગે લંડન લઈ જવાય તેવી શક્યતા પણ છે.
D Day plus ૩ અને ૪: આ દિવસથી ચાર્લ્સ યુકેનો પ્રવાસ શરૂ કરશે. તેઓ સ્કોટિશ પાર્લામેન્ટની મુલાકાત લેશે અને એડિનબરાના સેન્ટ જાઈલ્સ કેથેડ્રલમાં સર્વિસમાં હાજર રહેશે. ચોથા દિવસે નોર્ધર્ન આયર્લેન્ડમાં હિલ્સબરો કેસલ ખાતે શોકઠરાવ રજૂ કરાશે અને બેલફાસ્ટમાં સેન્ટ એન્સ કેથેડ્રલમાં સર્વિસમાં હાજરી આપશે. આ દરમિયાન લંડનમાં ફ્યુનરલ માટે રિહર્સલો ચાલુ રહેશે.
D Day plus ૫: બકિંગહામ પેલેસ અને પાર્લામેન્ટ હાઉસીસ વચ્ચે સરઘસ કાઢવામાં આવશે અને વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે સર્વિસ યોજાશે. આ પછી ક્વીનના કોફિન્સને ત્રણ દિવસ સુધી લોકોના દર્શનાર્થે રાખવામાં આવશે. મહાનુભાવોને ટાઈમ સ્લોટ સાથેની ટિકિટ્સ જારી કરવામાં આવશે.
D Day plus ૬થી ૯: ક્વીનના નિધન પછી છઠ્ઠા દિવસે ફ્યુનરલના રિહર્સલો યોજાશે. આ પછીના દિવસે ચાર્લ્સ વેલ્શ પાર્લામેન્ટની મુલાકાત લેશે અને કાર્ડફના લીઆન્ડાફ કેથેડ્રલ ખાતે સર્વિસ યોજાશે. સરકારને આ દિવસોમાં વ્યવસ્થા જાળવવાની ભારે તકલીફ પડશે કારણકે ક્વીનના આખરી દર્શનાર્થે લાખો લોકો લંડનમાં ઉમટી પડે તેવી ધારણા છે. ટ્રાફિક જામ અને ખાદ્યપદાર્થોની અછત ઉપરાંત, પોલીસ અને આરોગ્યસેવા પર બોજો આવી પડે તેવો ભય છે.
ક્વીનના ફ્યુનરલનો દિવસઃ આ રાષ્ટ્રીય શોકનો દિવસ બની રહેશે પરંતુ, એમ્પ્લોયર્સને તેમના કર્મચારીઓને રજા આપવાની ફરજ નહિ પડાય. ફ્યુનરલ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાશે અને બપોરે સમગ્ર યુકેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે.
વિન્ડસર કેસલસ્થિત સેન્ટ જ્યોર્જ‘સ ચેપલ ખાતે કમિટલ સર્વિસ યોજાશે અને ક્વીનને કિંગ જ્યોર્જ છઠ્ઠાના મેમોરિયલ ચેપલ ખાતે દફન કરાશે.


