લંડનઃ વેક્સિન બિઝનેસમાં સફળ રહેલા યોહાન પૂનાવાલાએ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની રેન્જ રોવર કાર 2,24,850 પાઉન્ડમાં ખરીદી લીધી છે. યોહાન પૂનાવાલા પાસે કારનું મોટું કલેક્શન છે. તેમની પાસેની રોલ્સ રોયસ ફેન્ટમ સિક્સ્થ કાર 1983માં ક્વીન એલિઝાબેથ સ્વીડનની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે આ કારમાં પ્રવાસ કર્યો હતો.
આમ તો આ રેન્જ રોવર કાર બહારથી તો સામાન્ય રેન્જ રોવર જેવી જ લાગે છે પરંતુ યોહાન પૂનાવાલા તેને ખરીદવા માગતા હતા કારણ કે એપ્રિલ 2016માં અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિચેલ ઓબામા બ્રિટનની સત્તાવાર મુલાકાતે આવ્યા ત્યારે ડ્યુક ઓફ એડિનબરો તેમના પત્ની અને ઓબામા દંપતીને આ કારમાં લઇ ગયા હતા.
પૂનાવાલાના કાર કલેક્શનની કાળજી લેવામાં મદદ કરતા મોહમ્મદ લૂકમાન અલી ખાન કહે છે કે બીજી કોઇ કાર બ્રિટન અને અમેરિકાના વિશેષ સંબંધને રજૂ કરતી નથી. યુએસની સિક્રેટ સર્વિસ હંમેશા ભાર મૂકતી હોય છે કે અમેરિકાના પ્રમુખ આર્મર્ડ કાર બીસ્ટમાં જ પ્રવાસ કરે. અમેરિકન પ્રમુખ અને તેમના પત્નીએ ક્વીનની સાથે બ્રિટિશ કાર રેન્જ રોવરમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું તે અસામાન્ય ઘટના હતી.
પૂનાવાલા ઇચ્છે છે કે આ કાર ચાલુ હાલતમાં રહે. તેમણે જણાવ્યું હતું કે, આ એક અલભ્ય તક હતી અને તેને હું જવા દેવા ઇચ્છતો નહોતો. વિશ્વમાં એવી બહુ ઓછી કાર હશે જેમાં બે દેશના વડાઓએ એકસાથે પ્રવાસ કર્યો હોય.


