ક્વીન એલિઝાબેથની હત્યાના ઇરાદે વિન્ડસર કેસલમાં ઘૂસેલો ભારતીય રાજદ્રોહનો દોષી જાહેર

જસવંતસિંહ છૈલ 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માગતો હતો

Wednesday 08th February 2023 06:19 EST
 
 

લંડન

2021માં બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતિયની હત્યાના ઇરાદાથી વિન્ડસર કેસલ પહોંચેલા ભારતીય મૂળના બ્રિટિશર જસવંતસિંહ છૈલને રાજદ્રોહના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો છે. જસવંતસિંહ છૈલ તીરકામઠા સાથે વિન્ડસર કેસલ પહોંચ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તે મહારાણીની હત્યા કરવા માગતો હતો. બ્રિટનમાં 1981 પછી પહેલીવાર કોઇ વ્યક્તિને રાજદ્રોહના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો છે. જસવંતસિંહ છૈલને ક્રિસમસના દિવસે એક સુરક્ષા અધિકારીએ વિન્ડસર કેસલના પ્રાઇવેટ વિસ્તારમાં જોયો હતો. તે નાઇલોનની સીડી દ્વારા દિવાલ કૂદીને મહેલમાં પ્રવેશ્યો હતો. સુરક્ષા અધિકારીએ તેને ઝડપી લીધા બાદ પૂછપરછમાં છૈલે કબૂલાત કરી હતી કે હું મહારાણીની હત્યા માટે આવ્યો હતો.

જસવંતસિંહ પાસેથી તીરકામઠા ઉપરાંત એક નોંધ મળી આવી હતી. તેમાં તેણે લખ્યું હતું કે મારા કપડાં, માસ્ક ઉતારશો નહીં અને મારું પોસ્ટમોર્ટમ કરશો નહીં. વિન્ડસર પેલેસમાં ઘૂસતા પહેલાં તેણે સ્નેપચેટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, હું જે કરવા જઇ રહ્યો છું તેના માટે મને માફ કરજો. હું મહારાણીની હત્યા કરીને 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લઇ રહ્યો છું. હું એ તમામ વતી લડી રહ્યો છું જેમની સાથે વંશીય ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter