ક્વીન એલિઝાબેથે પ્રશંસા કરી હતી તેવા ભારતીયની યુકેમાંથી હકાલપટ્ટી સામે રોષ

રોધરહિથના હજારો રહેવાસીઓ વિમલ પંડ્યાની તરફેણમાં લડી લેવાના મૂડમાં

Tuesday 14th February 2023 14:59 EST
 
 

લંડન

બ્રિટનના સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ દ્વિતિય દ્વારા કોરોના મહામારીમાં જેમની સેવાઓની પ્રશંસા કરાઇ હતી તેવા ભારતીયની દેશનિકાલની કાર્યવાહી સામે સાઉથ ઇસ્ટ લંડનના રહેવાસીઓએ અવાજ ઉઠાવ્યો છે. વિમલ પંડ્યા સ્ટુડન્ટ વિઝા પર યુકેમાં અભ્યાસ માટે આવ્યા હતા પરંતુ તેમની શિક્ષણ સંસ્થાનું વિદેશી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનું લાયસન્સ છીનવાઇ જતાં વિમલ પંડ્યાનો વિઝા રદ થઇ ગયો હતો. આ માટે તેમણે ઇમિગ્રેશન ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી પરંતુ ત્યાં પણ પીછેહઠ થતાં હવે તેમના પર દેશનિકાલ તોળાઇ રહ્યો છે. તેથી રોધરહિથના રહેવાસીઓ હવે આ નિર્ણય સામે લડી લેવાના મૂડમાં આવી ગયાં છે. તેમણે વિમલ પંડ્યાના સમર્થનમાં ઓનલાઇન પીટિશન દ્વારા 1,77,000 હસ્તાક્ષર એકઠાં કર્યાં છે. વિમલ પંડ્યા પણ આગામી કાર્યવાહી માટે તેમના વકીલો સાથે ચર્ચા કરી રહ્યાં છે.

પીટિશનમાં રોધરહિથના રહેવાસીઓએ જણાવ્યું છે કે અમે અને વિમલ પંડ્યા હતાશ થયાં છીએ પરંતુ અમે લડાઇ પડતી મૂકવાના નથી. વિમલે 11 વર્ષના વસવાટમાં હંમેશા રોધરહિથના રહેવાસીઓની કાળજી લીધી છે. અમારામાંના ઘણાને તેમની મદદથી લાભ થયો છે. તેથી અમે હવે તેમના માટે લડાઇ લડી રહ્યાં છીએ.

વિમલ પંડ્યા 2011માં ભારતથી યુકે આવ્યા હતા. એપ્રિલ 2014માં તેઓ એક ગંભીર બીમાર સગાને ભારત મૂકવા ગયા બાદ પરત આવ્યા ત્યારે તેમને યુકેમાં પ્રવેશનો ઇનકાર કરી દેવાયો હતો. યુકેના બોર્ડર અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે તેમની કોલેજનું લાયસન્સ છીનવાઇ ગયું છે. જોકે આ અંગે પંડ્યાની કોલેજ કે યુકેની હોમ ઓફિસે તેમને કોઇ પ્રકારની માહિતી આપી નહોતી. ત્યારબાદ વિમલ પંડ્યાએ તેમના ઇમિગ્રેશન સ્ટેટસની લડાઇમાં હજારો પાઉન્ડ ખર્ચી નાખ્યા છે. કોરોના મહામારી દરમિયાન વિમલ પંડ્યાએ લોકડાઉનમાં સેલ્ફ આઇસોલેશનમાં રહેલા લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા અથાક કામગીરી કરી હતી. જેની નોંધ સર કેનેથ ઓલિસા દ્વારા લેવાઇ હતી. તેમણે ક્વીન એલિઝાબેથ વતી વિમલ પંડ્યાનો આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter