ક્વીન કરતાં પણ ધનવાન અક્ષતા

Wednesday 13th April 2022 03:10 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકના 42 વર્ષીય પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટિશ મહારાણી કરતાં પણ વધુ ધનવાન છે અને લગભગ તેમના જેટલી જ મિલકતો-પ્રોપર્ટી ધરાવે છે. અક્ષતા તેમના બિલિયોનેર પિતાએ સ્થાપેલી ભારતીય કંપની ઈન્ફોસિસમાં 0.93 ટકાનો હિસ્સો ધરાવે છે જેનું અંદાજિત મૂલ્ય 690 મિલિયન પાઉન્ડ છે. અક્ષતા યુકેની અન્ય 6 કંપનીઓમાં પણ પ્રત્યક્ષ હિસ્સો ધરાવે છે. બીજી તરફ, ક્વીનની સમૃદ્ધિ કે સંપત્તિ 365 મિલિયન પાઉન્ડની છે. આ હિસાબે અક્ષતા ક્વીન કરતાં વધુ ધનવાન છે.

અક્ષતા અને ચાન્સેલર સુનાક લોસ એન્જલસના પેન્ટહાઉસ સહિત ચાર નિવાસસ્થાનનો પ્રોપર્ટી પોર્ટફોલીઓ ધરાવે છે જેનું મૂલ્ય 15 મિલિયન પાઉન્ડ જેટલું છે. સુનાક દંપતીના બે દિવસના ભવ્ય લગ્ન 2009માં બેંગલુરુ ખાતે થયા હતા. તેઓ પોતાના બે સંતાનો સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટના ફ્લેટમાં રહે છે અને લંડનમાં બે પ્રોપર્ટી તેમજ યોર્કશાયરમાં 12 એકરના વિસ્તારમાં ફેલાયેલું 2 મિલિયન પાઉન્ડનું ગ્રેડ II-લિસ્ટેડ જ્યોર્જિયન મેન્શન ધરાવે છે.

સુનાક દંપતી 2020માં ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવા આવ્યા તે અગાઉ કેન્સિંગ્ટનમાં પાંચ બેડરૂમના હાઉસમાં રહેતા હતા જે તેમણે 4.5 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું અને તેની વર્તમાન કિંમત 7 મિલિયન પાઉન્ડથી વધુ અંકાય છે. આ સિવાય તેમની પાસે ઓલ્ડ બ્રોમ્પ્ટન રોડ પર એક ફ્લેટ છે. અક્ષતા મૂર્તિ યુએસના કેલિફોર્નિયામાં સાન્તા મોનિકા નજીક 7.2 મિલિયન ડોલર (5.5 મિલિયન પાઉન્ડ)ની કિંમતનાં પેન્ટહાઉસ એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter