હેરી અને મેગનના પ્રથમ સંતાન આર્ચીના ત્વચાના વર્ણ-રંગ વિશે શાહી પરિવારના સભ્ય દ્વારા અનુચિત ટીપ્પણી કરાઈ હોવા બાબતે હેરી અને મેગનનો ઈન્ટરવ્યૂ લેનારી ૬૭ વર્ષીય ઓપ્રાહ વિન્ફેએ ખુલાસો કર્યો છે કે આર્ચીની ત્વચાના રંગ વિશે ક્વીન અને ફ્રિન્સ ફિલિપ દ્વારા કોઈ ટીપ્પણી કરાઈ નથી.
CBS This Morning કાર્યક્રમમાં ઓપ્રાહના કો-હોસ્ટ ગાયલે કિંગ દ્વારા ઓપ્રાહને પ્રશ્ન કરાયો હતો કે હાલ ૨૨ મહિનાના આર્ચીના જન્મ અગાઉ તેની ત્વચા ઘેરા રંગની હોઈ શકે તે બાબતે ચિંતા કરનારા શાહી સભ્ય કોણ હતા તે વિશે મેગને કશું જણાવ્યું હતું? પ્રિન્સ હેરી અને મેગને આ વ્યક્તિ કોણ હતી તે વિશે કશું જણાવ્યું નથી. જોકે, ઓપ્રાહે ખુલાસો કર્યો હતો કે ગ્રાન્ડપેરન્ટ્સ ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ દ્વારા આવી રિમાર્ક કરાઈ ન હતી. ઓપ્રાહે જણાવ્યું હતું કે હેરીએ મારી સાથે આ ઓળખ શેર કરી નથી અને આવી ટીપ્પણી કરનારાનું તેઓ હજી પણ રક્ષણ કરી રહ્યાં છે. જોકે હેરીએ સ્પષ્ટ કર્યું હતું કે તેના ગ્રાન્ડપેરન્ટ્સ- દાદી અને દાદા આ વાતચીતનો હિસ્સો ન હતાં. સમગ્ર વિશ્વમાં આ વ્યક્તિ કોણ હોઈ શકે તે બાબતે ભારે અટકળો ચાલી રહી છે.


