લંડન
આગામી મે મહિનામાં કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કોન્સોર્ટ કેમિલાની તાજપોશીમાં વિવાદાસ્પદ કોહીનૂર હીરો ધરાવતા તાજનો ઉપયોગ નહીં કરાય. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, ક્વીન કોન્સોર્ટ કેમિલાની તાજપોશી ક્વીન મેરી ક્રાઉન દ્વારા કરાશે. એમ માનવામાં આવે છે કે તાજપોશી માટે આ ક્રાઉનને ફરી તૈયાર કરાશે અને તેમાં ક્વીન એલિઝાબેથના ઝવેરાતમાંથી કેટલાક હીરા પણ ઉમેરવામાં આવશે.
વિશ્વમાં સૌથી મોટા કટ ડાયમંડ પૈકીના એક કોહીનૂર હીરાની માલિકી પર વિવાદ ચાલી રહ્યો છે. જો કોહીનૂર હીરા સાથેના તાજનો તાજપોશી સમયે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ભારત સાથે રાજદ્વારી ટકરાવ ઊભો થવાની સંભાવના છે.
ભારત દ્વારા કોહીનૂર હીરાની માલિકીના સંખ્યાબંધવાર દાવા કરાયા છે. આ હીરા સાથેના તાજનો ઉપયોગ કવીન મધરની તાજપોશીમાં કરાયો હતો. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, ક્વીન કોન્સોર્ટ કેમિલાની તાજપોશી ક્વીન મેરીના ક્રાઉન દ્વારા કરાશે.


