ક્વીન કોવિડ પોઝિટિવ જાહેર

Wednesday 23rd February 2022 03:32 EST
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોવિડ પોઝિટિવ જાહેર કરાયાં છે. તેમણે શરદી જેવાં હળવાં લક્ષણો સાથે વિન્ડસર કેસલમાં હળવી ફરજો બજાવવાની ચાલુ રાખી છે. પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ- કેમિલાને વાઈરસનો ચેપ લાગ્યા પછી ૯૫ વર્ષીય ક્વીનને પણ ચેપ લાગ્યો હોવાનું બકિંગહામ પેલેસે જણાવ્યું છે. તેઓ તબીબી દેખરેખ હેઠળ છે અને યોગ્ય ગાઈડલાઈન્સને અનુસરી રહ્યાં છે.

ક્વીનના રાજ્યારોહણના ૭૦ વર્ષ ૬ ફેબ્રુઆરીએ પૂર્ણ થયાની ઐતિહાસિક પ્લેટિનમ જ્યુબિલીના આરંભને હજુ બે સપ્તાહ થયાં છે ત્યારે તેઓ કોવિડ ટેસ્ટિંગમાં પોઝિટિવ હોવાનું જાહેર કરાયું છે. પ્રિન્સ ચાર્લ્સ કોવિડ પોઝિટિવ જાહેર થયા તે અગાઉ તેમણે ૮ ફેબ્રુઆરીએ વિન્ડસર કેસલમાં ક્વીન સાથે સમય વીતાવ્યો હતો. પ્રિન્સ પછી ડચેસ ઓફ કોર્નવોલ પણ વાઈરસ સંક્રમિત થયાં હતાં. વાઈરસના સંક્રમણ પછી તેના લક્ષણો દેખાવાને બેથી ૧૪ દિવસ લાગતાં હોય છે. જોકે, વિન્ડસર કેસલની ટીમમાં પણ ઘણાને કોવિડનું નિદાન થયું હોવાનું કહેવાય છે.

ક્વીને કોવિડ વેક્સિનના ત્રણ ડોઝ લીધાં હોવાનું કહેવાય છે પરંતુ, ડોક્ટરોએ તેમને ઓક્ટોબર મહિનાથી આરામની સલાહ આપી હોવાથી તેમણે મોટા ભાગના કાર્યક્રમો રદ કરી દીધાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter