લંડનઃ ડ્યૂક ઓફ યોર્ક-પ્રિન્સ એન્ડ્રયુ વિરુદ્ધ લાખો પાઉન્ડ ખંખેરી નાખે તેવા સેક્સ એબ્યુઝ આક્ષેપો સામે કાનૂની લડત આપવામાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય ખાનગી રીતે લાખો પાઉન્ડનો ખર્ચ કરી રહ્યાં છે. પ્રિન્સ એન્ડ્રયુની ધરખમ કમાણી – આવક નહિ હોવાથી ક્વીન દ્વારા નાણાકીય હસ્તક્ષેપ આવશ્યક બની ગયો હોવાનું કહેવાય છે. ડ્યૂક સામે કાનૂની કાર્યવાહી કરનારી જ્યોર્જિયા રોબર્ટ્સ ગિયુફ્રેએ નોંધપાત્ર વળતર અને દંડનીય ડેમેજિસની માગણી કરી છે જેની રકમ જાહેર કરાઈ નથી.
૬૧ વર્ષીય પ્રિન્સે મુખ્ય કાઉન્સેલ એન્ડ્રયુ બ્રેટલરની સાથે કામ કરવા પ્રિન્સટોન એન્ડ કોલમ્બિયા ગ્રેજ્યૂએટ મેલિસ્સા લર્નરની સેવા મેળવી તેમની અમેરિકી કાનૂની ટીમ વિસ્તારી છે. આ બંને વકીલ ભારે ફી લઈ સેલેબ્રિટીઝની કાનૂની સમસ્યાઓ દૂર કરવા માટે જાણીતી લોસ એન્જલસસ્થિત કાનૂની ફર્મ લેવલી સિંગર માટે કામ કરે છે. મિ.બ્રેટલર કલાકના આશરે ૨૦૦૦ ડોલરની ફી ચાર્જ કરે છે જ્યારે મિસ લર્નરની નિયુક્તિ, તેમના જુનિયર સ્ટાફ અને ડ્યૂકની યુકેસ્થિત ક્રિમિનલ ડિફેન્સ સોલિસીટર ગેરી બ્લોક્સોમના વડપણ હેઠળની કાનૂની ટીમ, આ બધા સાથે ડ્યુકનો કાનૂની ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે.
મહારાણીએ ગયા વર્ષના આરંભે પ્રિન્સના ન્યૂઝનાઈટ ઈન્ટરવ્યુ પછી પુત્રના બચાવ માટે ખર્ચ કરવાની સંમમતિ દર્શાવી હતી. ડચી ઓફ લેન્કેસ્ટરની પ્રાઈવેટ એસ્ટેટની વાર્ષિક આવકમાંથી તેઓ આ માટે ફંડ ફાળવશે. ડચીની હાવક હાલ વાર્ષિક ૧.૫ મિલિયન પાઉન્ડના વધારા સાથે ૨૩ મિલિયન પાઉન્ડથી પણ વધી છે. શાહી દરબારીઓના જણાવ્યા મુજબ સમગ્ર કાનૂની ખર્ચ લાખો પાઉન્ડમાં થશે અને સિવિલ કેસ મહિનાઓ અથવા વર્ષો સુધી લંબાવાની ધારણા છે. સંભવિત સેટલમેન્ટ અથવા નુકસાની વળતર પણ લાખો પાઉન્ડનો ખર્ચ કરાવશે.
પ્રિન્સ પાસે કાનૂની દાવાનો ઉત્તર આપવા ૨૯ ઓક્ટોબર સુધીનો સમય છે અને આગામી સુનાવણી ૩ નવેમ્બરની નિશ્ચિત કરાઈ છે.