ક્વીન દ્વારા યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરનો શાહી ઠાઠથી આરંભ

રુપાંજના દત્તા Wednesday 01st March 2017 07:05 EST
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા બકિંગહામ પેલેસ ખાતે સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ ઐતિહાસિક યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરનો શાહી ઠાઠથી આરંભ કરાયો હતો. ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ભારતીય ડેલિગેશન સાથે રીસેપ્શનમાં સામેલ થયા હતા. ડેલિગેશનમાં ફિલ્મ સ્ટાર્સ કમલ હાસન, સુરેશ ગોપી, ઓલ-રાઉન્ડર કપિલ દેવ, ગાયક ગુરદાસ માન, ફેશન ડિઝાઈનર્સ મનીષ અરોરા, અનિતા ડોંગરે અને મનીષ મલ્હોત્રા, સિતારવાદક અનુષ્કા શંકર અને તેની માતા સહિતના વ્યક્તિવિશેષો સામેલ હતા. ક્વીન સાથે તેમના પતિ પ્રિન્સ ફિલિપ ડયૂક ઓફ એડિનબરા અને પૌત્ર પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન રીસેપ્શનમાં સામેલ થયાં હતાં.

શાહી પરિવારના સભ્યોએ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગ નિમિત્તે રોયલ શેફ માર્ક ફ્લેનેગન અને ભારતીય રેસ્ટોરાં વીરાસ્વામીના શેફ ઉદય સાળુંખે દ્વારા પેલેસ કિચનમાં તૈયાર કરાયેલી બન્ને દેશની વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

બકિંગહામ પેલેસના બહારના સમગ્ર ભાગે ભારતીય રાષ્ટ્રીય પંખી મોરની છબી પ્રોજેક્ટ કરવામાં આવી હતી, જે સોમવારની સાંજથી તમામ પ્રવેશદ્વારથી નિહાળી શકાતી હતી. આ પ્રોજેક્શનની ડિઝાઈન બેંગલોર અને લંડનસ્થિત સ્ટુડિયો કેરોમ દ્વારા તૈયાર કરાઈ હતી, જેમાં તેના પીંછાની અંદર પણ નૃત્ય કરતી આકૃતિઓ સાથે મોરની છબી મનમોહક જણાતી હતી. મોર ઉત્સવ અને ઉજવણીઓનું પ્રતીક હોવા સાથે ભારતીય આતશબાજીની યાદ અપાવતું રુપાંકન હતું.

ભારતીય નૃત્ય સાથે મહેમાનોનું શાહી સ્વાગત

બકિંગહામ પેલેસના મુખ્ય સ્વાગતકક્ષમાં ‘એકમ’ સ્ટાઈલના સોપાન પર એકેડેમી દ્વારા રજૂઆત અને અરુણિમા કુમાર દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા વિશેષ ભારતીય શૈલીના નૃત્ય સાથે વિવિધ ક્ષેત્રોના હાઈ-પ્રોફાઈલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નૃત્યથી ભારતના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. નૃત્યકારોમાં અરુણિમા કુમાર (કુચિપૂડી), અર્ચના પટેલ (કુચિપૂડી), ભાગ્યલક્ષ્મી ત્યાગરાજન (ભરતનાટ્યમ), હેલન લેસાગે (ભરતનાટ્યમ), શિવાની સેઠીઆ (કથક), જેસલ પટેલ(કથક), શોમી દાસ (કથક), એલેના કેટાલાનો (ઓડિસી) અને દેબાંજલિ બિશ્વાસ (મણિપુરી)નો સમાવેસ થયો હતો. લંડનના ભવન સેન્ટરના સંગીતકારોએ ભારતીય સંગીત પીરસ્યું હતું, જેમાં વાયોલિન પર બાલુ રઘુરામન અને મૃદંગમ પર શ્રી બાલાચંદરે સાથ આપ્યો હતો. મહેમાનોએ ‘શાહનામા’ જેવી પ્રીચીન ભારતીય હસ્તપ્રતો, કેટલીક પર્સિયન કેલિગ્રાફી અને ભારતીય ઘરેણા સહિતના અનોખા રોયલ કલેક્શનને ભારે રસથી નિહાળ્યું હતું.

પેલેસ કિચનમાં યુકે અને ભારતીય વાનગીઓ

રોયલ કિચનમાં સાંજના રીસેપ્શન માટે સોમવારની સવારથી જ યુકે અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન વાનગીઓ તૈયાર કરવાની ધમાધમ શરૂ થઈ હતી, જેમાં આશરે ૧૫ શેફની ટીમ જોડાઈ હતી. રોયલ શેફ માર્ક ફ્લેનેગનની સાથે સૌથી જૂના ભારતીય રેસ્ટોરાંમાં નામના ધરાવતા વીરાસ્વામીના શેફ ઉદય સાળુંખે પાંચ સભ્યોની ટીમ સાથે જોડાયા હતા. ભારતીય વાનગીઓ મુખ્યત્વે એંગ્લો ઈન્ડિયન હતી, જેમાં ભારતના વિવિધ વિસ્તારોના સ્વાદ અને સોડમનો સમાવેશ થતો હતો.

વીરાસ્વામીના ઉદયે જણાવ્યું હતું કે,‘આજનું ભોજન ભારતીય અને બ્રિટિશ ફૂડના સંમિશ્રણનું ક્લાસિક ઉદાહરણ છે. આટલા સુક્ષ્મ સ્વરુપે ભારતીય ફ્લેવર આપવી તે મુશ્કેલ કાર્ય છે પરંતુ, છ સપ્તાહની ટ્રાયલ અને વીકેન્ડમાં પણ કામ કરતા રહેવાથી કામગીરી સફળ બની હતી.’

માર્કે મહેમાનોને સાંજે પીરસવા માટે આશરે ૫,૦૦૦ જેટલી કેનાપીસની તૈયારી પર દેખરેખ રાખી હતી. આ મેનુનો નિર્ણય કેવી રીતે લેવાયો તેના ઉત્તરમાં માર્કે કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ બંન્ને સંસ્કૃતિઓનું સંમિશ્રણ કરવા સાથે બન્નેની લાક્ષણિકતા જાળવવાનો હતો.

મેનુના ભારતીય વ્યંજનોમાં રાજ પૂરી, શાકની છાલમાં પનીરના ચોરસ ટુકડા, તંદૂરી પ્રોન કોકટેલ, સોયા ગુજિયા, સ્ટ્રેન્ડ યોગર્ટ કબાબ, પાઈનેપલ અને કાજુનો હલવો, બુંદી ચોકલેટ રોકનો સમાવેશ કરાયો હતો. આમાંની કેટલીક વાનગી તો વીરાસ્વામી રેસ્ટોરાંના ક્લાસિક ટ્રેડમાર્ક જેવી છે.

‘જય હો’ સાથે ચેન્જિંગ ઓફ ગાર્ડ સેરિમનીની યોજનામાં ભંગ

સોમવારે સવારે ભારે વરસાદના કારણે સવારે મ૧૦.૪૦ કલાકે એ.આર.રહેમાનના ‘જય હો’ મ્યુઝિક સાથે ચેન્જિંગ ઓફ ગાર્ડ સેરિમનીની યોજનામાં ભંગ પડ્યો હતો. બેન્ડ ઓફ ગ્રેનેડિયર ગાર્ડ્સ દ્વારા યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના આરંભ નિમિત્તે પરંપરાગત સમારોહ દરમિયાન ભારતીય થીમ અનુસાર સંગીત આપવાની યોજના હતી. આ પછી, એક કલાકે બેન્ડને પેલેસ નજીક વેલિંગ્ટન બેરેક્સના ગાર્ડ ચેપલ ખાતે ખસેડાયું હતું. પેલેસ ગાર્ડ્સ દ્વારા ‘વેટ માઉન્ટ’ યોજાશે તેને સમર્થન મળ્યા પછી બેન્ડને ચેપલ ખાતે ખસેડાયું હતું. ખરાબ હવામાનના કારણે વર્ષમાં સરેરાશ બે વખત ચેન્જિંગ ઓફ ગાર્ડ સેરિમની રદ કરવામાં આવે છે ત્યારે ‘વેટ માઉન્ટ’ યોજાય છે. બેન્ડ દ્વારા ડોન ફિલ્મનું ‘આજ કી રાત’ સહિત બોલીવૂડના ગીતોની રમઝટ તેમજ કેટલીક ભાંગડા ધૂનો વગાડાઈ હતી. ‘સ્લમડોગ મિલિયોનેર’ના જય હો’ની સાથે સંગીતની ચરમસીમા આવી હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter