ક્વીન દ્વારા લોકનજરથી સાચી સંપત્તિ છુપાવવા સરકારમાં સફળ લોબિઈંગ

Wednesday 10th February 2021 04:30 EST
 
 

લંડનઃ બ્રિટિશ લોકશાહીમાં ચોંકાવનારા ઘટસ્ફોટમાં યુકેના ચૂંટાયેલા સાંસદો દ્વારા કોઈ કાયદાને બહાલી અપાય તે અગાઉ ગુપ્ત પ્રક્રિયા હેઠળ ૧,૦૦૦ વધુ કાયદાઓ પર ક્વીન એલિઝાબેથ દ્વિતીય અથવા પ્રિન્સ ચાર્લ્સે નજર ફેરવી હોવાનું બહાર આવ્યું છે. આ ચકાસણી પ્રક્રિયામાં ક્વીનની અંગત પ્રોપર્ટી અને તેમને વ્યક્તિગત અસર કરી શકે તેવા કાયદાઓ ઉપરાંત, બ્રેક્ઝિટ ટ્રેડ ડીલથી માંડી ઈન્હેરિટન્સ, જસ્ટિસ, સોશિયલ સિક્યોરિટી, પેન્શન્સ, રેસ રિલેશન્સ અને લેન્ડ પોલિસી સંબંધિત કાયદાઓની ચકાસણીનો સમાવેશ થયો હતો.

ધ ગાર્ડિયન અખબાર દ્વારા એલિઝાબેથ દ્વિતીયના શાસનના આરંભથી અત્યાર સુધી તેમની સંમતિ માટે મોકલાયેલાં ઓછામાં ઓછાં ૧,૦૬૨ પાર્લામેન્ટરી બિલ્સનો ડેટાબેઝ તૈયાર કરાયો હતો. ક્વીનની સંમતિ મેળવવાની અપારદર્શી પ્રક્રિયા ધારણા કરતાં વધુ સમય લેતી હોવાનું આ ડેટાબેઝ પરથી જણાયું હતું. સામાન્યપણે પાર્લામેન્ટ કાયદો ઘડે તે પછી ક્વીનની સંમતિ મેળવાય છે જેથી તે કાયદાપોથીમાં સ્થાન મેળવે છે. જોકે, આ અલગ પ્રક્રિયા હેઠળ સરકારના મિનિસ્ટર્સ ખાનગી રીતે પાર્લામેન્ટરી બિલ્સના મુસદ્દાની જોગવાઈઓની જાણ કરે છે અને તેના પર ચર્ચાની સંમતિ માગે છે. આ પ્રક્રિયા શાહી વિશેષાધિકાર અથવા ક્રાઉનના ખાનગી હિતોને અસર થવાની શક્યતા જણાય તે બાબતોમાં ક્વીનને એલર્ટ કરવામાં આવે છે. ક્વીન અથવા પ્રિન્સ ચાર્લ્સ દ્વારા ચકાસાયેલા ડ્રાફ્ટ લો બિલ્સમાં બાલ્મોરલ અને સાન્ડ્રિન્ઘામમાં ખાનગી એસ્ટેટ્સ જેવી અંગત પ્રોપર્ટીઝ તેમજ તેમને અંગત રીતે અસર કરતા હોય તેવા કોઈ પણ કાયદાનો સમાવેશ થાય છે.

ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે ક્વીને બ્રિટિશ પ્રજાથી પોતાની ખાનગી સંપત્તિ છુપાવવા માટે ડ્રાફ્ટ લોમાં ફેરફાર કરવા સરકારમાં સફળ લોબિઈંગ કર્યું હતું. નેશનલ આર્કાઈવ્ઝમાં સંખ્યાબંધ સરકારી નોંધો-દસ્તાવેજો અનુસાર એલિઝાબેથ વિન્ડસરના પ્રાઈવેટ વકીલે ક્વીનનાં શેરહોલ્ડિંગ્સ પ્રજાને જાહેર ન કરાય તે માટે સૂચિત કાયદામાં ફેરફાર કરવા મિનિસ્ટર્સ પર દબાણ કર્યું હતું. ક્વીનના હસ્તક્ષેપના પરિણામે, સરકારે કાયદામાં ‘હેડ ઓફ સ્ટેટ’ દ્વારા ઉપયોગમાં લેવાતી કંપનીઓને નવા ટ્રાન્સપરન્સી પગલાંથી મુક્તિની સત્તા આપતી જોગવાઈ દાખલ કરી હતી.

૧૯૭૦ના દાયકામાં આ વ્યવસ્થા ઉભી કરાઈ હતી જેના થકી ક્વીનના પ્રાઈવેટ શેરહોલ્ડિંગ્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સ પર ઓછામાં ઓછાં ૨૦૧૧ સુધી ગુપ્તતાનું આવરણ છવાયેલું રહ્યું હતું. ક્વીનની સંપત્તિ સેંકડો મિલિયન્સ હોવાનો અંદાજ હોવાં છતાં, તેમની સાચી સંપત્તિ કદી જાહેર થઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter