લંડનઃ યુકેના કોર્નવોલમાં જૂન મહિનામાં G-૭ દેશોની શિખર પરિષદનું આયોજન કરાયું છે ત્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ ખાતે બેક્ઝિટ પછીના ગાળામાં યુએસએના નવા પ્રમુખ જો બાઈડેન સહિત વિશ્વનેતાઓને મળશે. G-૭ પરિષદ અગાઉ, પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ દ્વારા આયોજિત રિસેપ્શનમાં ક્વીન પણ સામેલ થશે.
યુએસ પ્રમુખની આ પહેલી મુલાકાત હશે અને બ્રિટન અને અમેરિકા વચ્ચેના ખાસ સંબંધોને વધુ મજબૂત બનાવવાના ભાગરુપે શાહી અને સરકારના અધિકારીઓ દ્વારા વિશેષ મેળાવડાનું આયોજન કરાયું છે. આ વર્ષે ક્વીનની ૯૫મી વર્ષગાંઠ ૧૨ જૂને યોજાનારી મિલિટરી પરેડ ડ્યૂક ઓફ એડિનબરાની ૧૦૦મી વર્ષગાંઠના બે દિવસ પછી આવે છે અને ‘મેગ્ઝિટ’ પછી શાહી પરિવારનું પ્રથમ મિલન બની રહેશે.
ક્વીનના શાસનનો ૧૯૫૨માં આરંભ થયાં પછી તેઓ લિન્ડન બી. જ્હોન્સન સિવાય દરેક યુએસ પ્રમુખને મળ્યાં છે. ક્વીને ૨૦ જાન્યુઆરીના સત્તારોહણ અગાઉ નવા પ્રમુખ જો બાઈડનને અંગત સંદેશો પાઠવ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સે પણ પ્રમુખપદે નિયુક્તિ પછી બાઈડનને અભિનંદનનો પત્ર પાઠવ્યો છે. વરિષ્ઠ શાહી સૂત્રે સન્ડે ટાઈમ્સને જણાવ્યું હતું કે જી-૭ અગાઉ શાહી પરિવારની મજબૂત ઉપસ્થિતિ જોવાં મળે તેવી તીવ્ર ઈચ્છા ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે રજૂ કરી હતી. રોયલ ફેમિલીના તમામ વરિષ્ઠ સભ્યો આ ઘટનાનો હિસ્સો બની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઈ ૨૦૧૮માં બ્રિટનની પ્રથમ મુલાકાત લીધી ત્યારે માત્ર ક્વીન તેમને મળ્યાં હતાં અને પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ સમારંભથી અળગા રહ્યા હતા.


