ક્વીન પ્રેમાળ પતિ પ્રિન્સ ફિલિપના મેમોરિયલમાં ભાવુક બન્યાં

Wednesday 30th March 2022 02:36 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમના પ્રેમાળ પતિ પ્રિન્સ ફિલિપની યાદમાં વેસ્ટમિન્સ્ટર એબીમાં 29 માર્ચ મંગળવારે આયોજિત વાર્ષિક મેમોરિયલ સર્વિસમાં ભાવુક બની ગયાં હતાં. મેમોરિયલમાં પ્રિન્સ ચાર્લ્સ, કેમિલા, પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટન અને તેમના બાળકો, પ્રિન્સ એન્ડ્રયુ, દેશવિદેશના શાહી પરિવારોના સભ્યો, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમની કેબિનેટના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ યુએસથી આવ્યાં ન હતાં. ક્વીનને 95 વર્ષ થયાં છે અને તેમને હલનચલનની તકલીફ હોવાં છતાં તેઓ 73 વર્ષ સાથી-સંગાથી રહેલા પ્રિન્સ ફિલિપના મેમોરિયલમાં ઉપસ્થિત રહેવા મક્કમ હતા.

વેસ્ટમિન્સ્ટર એબીમાં પ્રિન્સ ફિલિપ- ડ્યૂક ઓફ એડિનબરાના 99 વર્ષના જીવનનું સ્મરણ કરવામાં આવ્યું હતું. ક્વીન એલિઝાબેથ દ્વિતીય પોતાના બાળકો પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ એન્ડ્રયુ. પ્રિન્સેસ એન, તેમજ ગ્રાન્ડચિલ્ડ્રન પ્રિન્સ વિલિયમ અને ડટેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન અને પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ સાથે મેમોરિયલમાં ઉપસ્થિત રહ્યાં હતાં.ડ્યૂક ઓફ એડિનબરાના પરિવાર તેમજ યુરોપના શાહી પરિવારોના વરિષ્ઠ સભ્યો સહિત 1800 આમંત્રિતોમાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની ગેરહાજરી તરી આવતી હતી. સર્વિસમાં પ્રિન્સ ફિલિપની ચેરિટીઝના લાભાર્થીઓ, સગાંસંબંધીઓ હાજર હતા.

બ્રિટન અને પત્નીની સેવામાં જીવન વીતાવી દેનારા પ્રિન્સ ફિલિપની આખરી મેમોરિયલ સર્વિસમાં ક્વીને અશ્રુ વહાવ્યાં હતાં. ડીન ઓફ વિન્ડસરે પ્રિન્સ ફિલિપની બુદ્ધિપ્રતિભા કાર્યની નીતિમત્તા, રમૂજશક્તિ અને પરિવાર પ્રતિ સમર્પણને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપસ્થિત લોકો ‘Guide Me O Thou Great Redeemer ’ના સહગાનમાં જોડાયા ત્યારે ક્વીનની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. ક્વીન સેક્સ કૌભાંડમાં સપડાયેલા અને કાનૂની કેસમાં નાણાકીય સમાધાન કરનારા પ્રિન્સ એન્ડ્રયુની સાથે આવ્યાં હતાં અને તેમની સાથે જ ચર્ચમાંથી બહાર નીકળ્યાં હતાં. તેમણે બહાર એકત્ર થયેલા લોકો સામે હાથ હલાવી અભિવાદન પણ કર્યું હતું.

ક્વીન, ડચેસ ઓફ કોર્નવોલ અને પ્રિન્સેસ રોયલ પ્રિન્સ ફિલિપને મનગમતા એડિનબરા ગ્રીન રંગને સુસંગત ઘેરા લીલાં વસ્ત્રોમાં સજ્જ હતાં. આજની સર્વિસમાં ક્વીનની વિનંતી અનુસાર પેટ્રિઓટિક રેડ-લાલ, વ્હાઈટ અને બ્લુ રંગના ફૂલો મૂકાયાં હતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter