લંડનઃ જયારે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું કોફિન સૌપ્રથમ વખત બાલ્મોરલ કેસલની બહાર દેખાયું ત્યારે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ ઓકનું ભારે કાસ્કેટ ક્વીન માટે 30 કરતાં વધુપ વર્ષ પહેલાં તૈયાર કરાયું હતું. ફ્યુનરલ વ્યવસ્થા માટે શાહી પરિવાર સાથે કાર્યરત નોર્થ લંડનના કામડેનની સ્વતંત્ર અંડરટેકર ફર્મ લેવરટોન એન્ડ સન્સને પણ આ કાસ્કેટ કોણે બનાવ્યું હતું તેની જાણ નથી.
આ ફર્મની સ્થાપના 1789માં થઈ હતી અને તેઓ 1991માં રોયલ અંડરટેકર્સ બન્યા હતા. તેમના અગાઉની રોયલ ફ્યુનરલ ડાયરેક્ટર્સ ફર્મ કેન્યોન દ્વારા ક્વીન માટે તૈયાર કરાયેલું કોફિન નવી ફર્મ પાસે આવ્યું હતું. ચાર વર્ષ અગાઉ ધ ટાઈમ્સ સાથેની મુલાકાતમાં લેવરટોન એન્ડ સન્સના સંચાલક એન્ડ્રયુ લેવરટોને કહ્યું હતું કે ‘આ કાસ્કેટ ઈંગ્લિશ ઓકમાંથી બનાવાયું છે જે મળવું મુશ્કેલ છે. હવે ઓક કોફિન્સ અમેરિકન ઓકમાંથી તૈયાર થાય છે. હવે ઈંગ્લિશ ઓકમાંથી કોફિન બનાવવાનું અમે વિચારી શકીએ નહિ કારણકે તે ભારે ખર્ચાળ રહેશે.’ તેની લાઈનિંગ લીડથી કરાઈ હોવાથી તે વજનમાં ભારે રહે છે આથી, ફ્યુનરલના દિવસે આઠ મિલિટરી બેરર્સ દ્વારા તેને લઈ જવામાં આવશે.
મોટા ભાગના લોકો દાયકાઓ પહેલાથી તેમના કોફિન્સ તૈયાર કરાવી રાખતા નથી પરંતુ, ક્વીનની વાત હોય ત્યારે તેઓ કશું ચાન્સ પર રહેવા દઈ શકે નહિ. લેવરટોનના કહેવા મુજબ આવું કોફિન રાતોરાત તૈયાર કરી શકાય નહિ કારણકે કોફિનના ઢાંકણા પર અને ફીટિંગ્સ કરવાના રહે છે જેના પર શાહી ઈન્સ્ટ્રુમેન્ટ્સ લગાવી શકાય. ફ્યુનરલ દરમિયાન કોફિન પર ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન, રાજચિહ્નનો ગોળો અને રાજદંડ મૂકવામાં આવે છે. પિત્તળના ફીટિંગ્સના કારણે કોઈ શાહી ચિહ્નો નીચે પડી ન જાય તેવી તકેદારી રાખી શકાય છે.

