ક્વીન માટે વિન્ડસર કેસલનો દરવાજો ખુલ્યો જ નહિ!

Thursday 12th March 2020 05:23 EDT
 
 

લંડનઃ ક્વીન તેમના માનીતા શાહી નિવાસ વિન્ડસર કેસલ ખાતે ગુરુવારની બપોરે આવી પહોંચ્યા ત્યારે કેસલને મજબૂત તાળું વાગેલું જોઈ બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. ક્વીનની રેન્જ રોવર કાર સીધી જ કેસલના ડ્રાઈવ-વેમાં જતી હતી પરંતુ, બંધ દરવાજાના કારણે બ્રેક મારવાની ફરજ પડી હતી. મહિલા બોર્ડીગાર્ડે તરત નીચે ઉતરી લાકડાના ભારે દરવાજાને ખોલવા પ્રયાસ કર્યો હતો પરંતુ, સફળતા મળી ન હતી. ક્વીનને વિન્ડસર કેસલમાં પ્રવેશવા માટે રાહ જોવી પડી હતી.

ક્વીન ગુરુવારની બપોરે તેમના માનીતા શાહી નિવાસ વિન્ડસર કેસલ ખાતે આવી પહોંચ્યા ત્યારે ભારે આશ્ચર્ય તેમની રાહ જોતું હતું. આમ તો તેમની કાર સડસડાટ કેસલમાં પહોંચી જાય છે પરંતુ, આ વખતે શક્ય બન્યું નહિ કારણકે કેસલના મજબૂત દરવાજાને તાળું વાગેલું હતું. દરવાજાને ખોલવા કોઈ ગાર્ડ પણ હાજર ન હતો. ક્વીનના કાફલામાં રહેલી કારમાંથી મહિલા બોડીગાર્ડે નીચે ઉતરી દરવાજો ખોલવા ભારે મહેનત કરી હતી. વરસતા વરસાદમાં દરવાજો ખોલવા પ્રયાસ થતો રહ્યો છતાં દરવાજો ખુલી શક્યો ન હતો.

ક્વીનના કાફલાએ અન્ય દરવાજેથી પ્રવેશવા નક્કી કરી કાર પાછી વાળી રહ્યા હતા ત્યારે જ રીમોટ કન્ટ્રોલ ધરાવતો દરવાજો ખુલી ગયો હતો. આ પછી ક્વીનની રેન્જ રોવર સહિતની કારે યુ-ટર્ન લીધો હતો. આ વખતે પાછળની સીટ પર હેડસ્કાર્ફ પહેરેલાં ક્વીન સહેલાઈથી કેસલમાં પ્રવેશી શક્યાં હતા. ઘટનાને નજરે નિહાળનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે તેણે ‘૩૦ વર્ષમાં આવું પ્રથમ વખત જ જોયું છે. કોઈ નોકરી પર સૂઈ રહ્યું હોય અથવા ક્વીનના આવવાની તેમને જાણ ન હોય પરંતુ, ક્વીને પોતાના જ નિવાસની બહાર આ રીતે ઉભાં રહેવું પડે તેવું તો થતું નથી.’

ક્વીન આગામી મહિને ૯૪ વર્ષના થશે. તેઓ સામાન્ય રીતે વિન્ડસર કેસલમાં વીકેન્ડ ગાળવા ગુરુવારે બપોરે આવે છે અને મંગળવારે લંડન પરત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter