ક્વીન મારા દાદીમા કરતાં પણ બોસ વધારે છેઃ પ્રિન્સ હેરી

Tuesday 12th April 2016 12:12 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પોતાના દાદીમા કરતાં બોસ તરીકે વધુ માને છે. ક્વીનના ૯૦મા જન્મદિન નિમિત્તે બીબીસી દ્વારા તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી ‘Elizabeth At 90 – A Family Tribute’ના ઈન્ટરવ્યુમાં ક્વીન માટે પોતાને જે માન છે તેની પ્રિન્સે ચર્ચા કરી હતી.

પ્રિન્સે જણાવ્યું હતું, ‘ હું હજુ તેમને મારા દાદીમા કરતાં ક્વીન તરીકે વધારે માનું છું. તમને તમારા બોસ માટે આ પ્રકારે ખૂબ માન હોય છે અને હું હંમેશા તેમને મારા બોસ તરીકે જ ગણું છું - પરંતુ ક્યારેક ગ્રેની તરીકે જોઉં છું.’

ક્વીનના બર્થ ડે ૨૧મી એપ્રિલે આ પ્રોગ્રામ બીબીસી વન પર પ્રસારિત થશે. તેમાં પ્રિન્સેસ રોયલ પણ નજરે પડશે. દેશના સૌથી લાંબા સમયના શાસક તરીકે તેમની માતાની મિશ્ર લાગણીઓનું પ્રિન્સેસ વર્ણન કરશે. પ્રિન્સેસે જણાવ્યું હતું, ‘શાસક થવું એ બેધારી તલવાર પર ચલવા જેવું છે. ક્વીન ખૂબ નાના હતાં ત્યારે તેમનાં પિતાનું અવસાન થયું હતું અને તેથી જ ક્વીનને ઘણાં વર્ષો સુધી સત્તા સંભાળવી પડી.. તેથી તેમનાં માટે આ મિશ્ર આશીર્વાદની બાબત છે.’

ક્વીનના કઝિન પ્રિન્સેસ એલેકઝાન્ડ્રાએ બીજા વિશ્વયુદ્ધના સમયે રેશનીંગને લીધે કપડાં ખરીદવાનું મુશ્કેલ હતું ત્યારે ક્વીને તેમનાં પોષાક તેમને આપ્યા હતા તેની વાત કરી હતી.

આ ડોક્યુમેન્ટરીમાં ક્વીન અને તેમના પતિ ડ્યુક ઓફ એડિનબરાએ વર્ષો પહેલાં શુટ કરેલી મુવિઝનો પણ સમાવેશ કરાયો છે. પ્રોગ્રામ ડિરેક્ટર જહોન બ્રીડકટે જણાવ્યું હતું કે ક્વીનનું કેમેરા વર્ક સરસ હતું. મોટાભાગના ફૂટેજ જાહેરમાં ક્યારેય દર્શાવાયા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter