ક્વીન યુકેને મિત્રો સાથે જોડતી ‘સુવર્ણદોર’: પ્લેટિનમ જ્યુબિલીએ નેતાઓની હૃદયાંજલિ

Wednesday 08th June 2022 02:36 EDT
 
 

લંડનઃ વિશ્વભરના નેતાઓએ ક્વીનને યુકેને તેના મિત્રો સાથે સાંકળતી ‘સુવર્ણદોર’ સમાન ગણાવી ઐતિહાસિક પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે હૃદયાંજલિ પાઠવી હતી. યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં, ઓસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત વિશ્વનેતાઓએ ક્વીનને અભિનંદન પાઠવ્યા હતા. પોપ ફ્રાન્સિસે પણ 96 વર્ષીય ક્વીનને શુભેચ્છા પાઠવી હતી.

યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેને ક્વીનને અભિનંદન પાઠવ્યાં હતાં. બાઈડેને જણાવ્યું હતું કે, ક્વીને 70 વર્ષથી યુકે અને કોમન વેલ્થને પોતાની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ થકી લોકોને પ્રેરણા પૂરી પાડી છે. તેમના શાસનકાળમાં યુકે અને યુએસના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બન્યા છે. જિલ બાઈડેને કહ્યું હતું કે ક્વીને યુએસની મુલાકાતો લઈને કરુણાંતિકાઓ વચ્ચે એકતા દર્શાવી અમેરિકન લોકોને ખુશીથી ખરીદી લીધા હતા. અમારી યુકેની મુલાકાતમાં તમારા આવકાર અને ઉદારતાથી અમે અભિભૂત થયાં હતાં.

ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ વીડિયો સંદેશ પાઠવી ફ્રેન્ચ પ્રજા ક્વીન માટે આદર અને ઊંડો સ્નેહ ધરાવતી હોવાનું જણાવ્યું હતું. સમય બદલાયો છે પરંતુ, બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના બંધન પ્રતિ ક્વીનની નિષ્ઠા-સમર્પણ બદલાયાં નથી. ફ્રાન્સના પ્રમુખે ક્વીનને બે રાષ્ટ્રોને બાંધતી સુવર્ણદોર તરીકે વર્ણવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝે ક્વીનના માનમાં પ્રગાવાયેલા બીકન્સની તસવીરો મૂકી હતી અને ક્વીનને શાંતિ અને શક્તિને દર્શાવતા ‘હિંમતદાયી અચલ’ (સ્થિર-અડીખમ ખડક) તરીકે વર્ણવ્યા હતા. અન્ય ૫૩ રાષ્ટ્રો સાથે ઓસ્ટ્રેલિયા આભારદર્શક જ્યોત પ્રગટાવી આભાર વ્યક્ત કરે છે તેમ પણ આલ્બેનીઝે જણાવ્યું હતું.

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નોંધપાત્ર પ્લેટિનમ જ્યુબિલીએ ક્વીનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વ આપની સદાકાળ સ્થિર ફરજ અને સેવા બદલ આભાર વ્યક્ત કરે છે.

દરમિયાન, પોપ ફ્રાન્સિસે ક્વીનને ટેલિગ્રામ મોકલી શુભકામના વ્યક્ત કરી હતી. ઈશ્વર ક્વીનને, શાહી પરિવારના સભ્યો અને રાષ્ટ્રના તમામ લોકોને એકતા, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter