લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમની ૯૦મી વર્ષગાંઠ શાહી પરિવારના મોટાભાગના સભ્યો વિના વિન્ડસરમાં ઉજવશે. ક્વીનના કેટલાંક કાર્યક્રમમાં એક હજારથી વધુ પ્રકાશસ્તંભની શ્રુંખલામાં પ્રથમ સ્તંભને પ્રજ્વલિત કરવાનો સમાવેશ થાય છે.
બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ ક્વીનની સીમાચિહ્નરૂપ વર્ષગાંઠે તેમના પરિવારના કોઈ પણ યુવાન સભ્યો તેમની સાથે નહીં હોય. તેમણે ઉમેર્યું કે ડ્યુક ઓફ એડિનબરા આખો દિવસ ક્વીનની સાથે રહેશે. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ પ્રકાશસ્તંભના કાર્યક્રમમાં હાજર રહેશે. ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ તથા પ્રિન્સ હેરી સહિતના અન્ય સભ્યો બે મહિના પછી તેમના સત્તાવાર જન્મદિનની ઉજવણી કરશે.
ક્વીનના જન્મદિનની ઉજવણી નિમિત્તે આર્મી કેડેટ ફોર્સના જવાનો યુકેમાં આવેલા ચાર સૌથી ઉંચા શિખરો પર પ્રકાશસ્તંભ પ્રજ્વલિત કરશે. બાકીના જવાનો ખાસ તૈયાર કરાયેલા ગેસ આધારિત મથકો ખાતે રોશની કરશે.
ક્વીન આ અગાઉ વિન્ડસરના કેસલ હિલની તળેટીમાં ક્વીન્સ વોક-વે તરીકે જાણીતા ચાર માઈલના સેલ્ફ ગાઈડેડ વોક-વે પર તક્તીનું અનાવરણ કરશે.


