લંડનઃ સ્કોટલેન્ડમાં નવા ક્લાઈમેટ ચેઈન્જ કાયદાઓમાંથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની બાલ્મોરલ એસ્ટેટને બાકાત રાખવામાં આવે તે માટે ક્વીનના વકીલોએ ગુપ્તપણે સ્કોટિશ સરકારને લોબિઈંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ક્વીનની ખાનગી બાલ્મોરલ એસ્ટેટની ઈમારતોમાં ગરમી લાવવા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાંથી માફી અપાઈ છે. ક્વીન્સ કન્સેન્ટ પદ્ધતિના કારણે હીટ નેટવર્ક બિલની આગોતરી જાણકારી ક્વીનને મળી હતી. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનની સરકાર ક્વીન દ્વારા લોબિઈંગની વિગતો જાહેર કરવામાં નિષ્ફળ ગઈ છે.
ક્વીનની બાલ્મોરલ એસ્ટેટ તેમને દેશમાં સૌથી મોટા લેન્ડઓનર બનાવે છે અને માત્ર તેમની ઈમારતોને ગરમ રાખવા માટે રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાંથી માફી અપાઈ છે. સ્કોટિશ લિબરલ ડેમોક્રેટ્સના સંશોધક લિલી હમ્ફ્રીઝ દ્વારા દસ્તાવેજો શોધી કઢાયા છે. ક્વીન્સ કન્સેન્ટ નામની પાર્લામેન્ટરી પ્રક્રિયાના ઉપયોગ થકી આવનારા કાયદાની તેમને આગોતરી જાણકારી મળી હતી. આ પ્રક્રિયા હેઠળ સરકારે ક્વીનને અસર કરતા કાયદાઓ પાર્લામેન્ટ સમક્ષ આવવાના હોય તે તબક્કાઓમાં મુસદ્દા પરની ચર્ચા કરવા ક્વીનની સંમતિ મેળવવી પડે છે.
ક્વીનને ગ્રીન એનર્જી બિલમાંથી શા માટે માફી અપાઈ છે તે પ્રશ્ને પાર્લામેન્ટરી ચર્ચા દરમિયાન ક્વીન દ્વારા મકરાયેલા લોબિઈંગને જાહેર કરવામાં નિકોલા સ્ટર્જનની સરકાર નિષ્ફળ રહી હતી. ક્વીનના વકીલોએ પાંચ મહિના પહેલા જ આ માફી મેળવી હતી જે દેશમાં માત્ર તેમની ખાનગી જમીનો- બાલ્મોરલ એસ્ટેટને જ લાગુ પડે છે. ગ્લેનલિવેટ સહિત ક્રાઉન એસ્ટેટની ઈમારતોને આ લાગુ પડતું નથી.
તત્કાલીન એનર્જી મિનિસ્ટર પૌલ વ્હીલહાઉસના અધિકારીઓએ ૩ ફેબ્રુઆરીએ નોંધ મૂકી હતી કે ક્વીનના વકીલોએ હીટ નેટવર્ક્સ બિલ મુદ્દે તેમનો સંપર્ક સાધ્યો હતો. એનર્જી મિનિસ્ટર વકીલોએ દર્શાવેલી ચિંતા સાથે સંમત થઈ ક્વીનને અપવાદ ગણાવા સંદર્ભે બિલમાં સુધારો કરવા રાજી થયા હતા. આના ૧૪ દિવસ પછી બિલ પર ક્વીનની કન્સેન્ટ મળી હતી અને ૩૦ માર્ચે બિલ પાર્લામેન્ટમાં પસાર થયું હતું. ઉલ્લેખનીય છે કે નવા ૧૦૦૦થી વધુ કાયદા પાર્લામેન્ટ દ્વારા મંજૂર કરાયા પહેલા ક્વીન અથવા પ્રિન્સ ચાર્લ્સની નજર હેઠળ ચકાસણીમાંથી પસાર થયા હોવાના દાવા કરાયા છે.


