ક્વીનના વેતન પેકેજમાં પણ કાપ મૂકાશેઃ ખર્ચા ઘટાડવા ફરજ પડશે

Wednesday 24th March 2021 06:23 EDT
 
 

લંડનઃ કોવિડ મહામારીની એક અસર તરીકે ક્વીનના વેતન પેકેજમાં પણ કાપ મૂકવામાં આવનાર છે. આના પરિણામે, ક્વીનને પોતાનાં ખર્ચા ઘટાડવાની ફરજ પડી શકે છે. મિનિસ્ટર્સ બકિંગહામ પેલેસ સાથે ૮૨ મિલિયન પાઉન્ડનું વાર્ષિક ટેક્સપેયર્સ પેકેજ ઘટાડવા વાતચીત કરી રહ્યા છે. ક્વીનના પાંચ વર્ષનું સોવરિન ગ્રાન્ટ એગ્રીમેન્ટ ૨૦૨૨માં પૂર્ણ થાય છે. શાહી પરિવાર હાલ ક્રાઉન એસ્ટેટની નફામાંથી ૨૫ ટકા હિસ્સો મેળવે છે.

કોવિડ મહામારી પછી રાજાશાહીના ખર્ચાને અંકુશમાં લેવા મિનિસ્ટર્સ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ક્વીનના વાર્ષિક વેતન પેકેજમાં ઘટાડો થઈ શકે છે. પેલેસના દરબારી સૂત્રોએ જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓએ રોયલ ફેમિલી માટે નવા નાણાકીય સેટલમેન્ટ બાબતે પેલેસ સાથે વાતચીત આરંભી છે. ક્વીનના વર્તમાન પાંચ વર્ષનો સોવરિન ગ્રાન્ટ એગ્રીમેન્ટ ૨૦૨૨માં પૂર્ણ થાય છે અને નવો એગ્રીમેન્ટ ઉદાર હોવાની શક્યતા નથી. એક દરબારીએ જણાવ્યું હતું કે ગત એગ્રીમેન્ટ પ્રમાણમાં ઘણો ઉદાર હતો અને હાલ તેના પુનરાવર્તનની શક્યતા જણાતી નથી. ક્વીન પણ મહામારીના ગાળામાં લોકોએ અનુભવેલી મુશ્કેલીઓથી માહિતગાર છે અને ખર્ચકાપમાં ભૂમિકા ભજવવા રાજી હોવાનું પણ જણાવાયું છે.

રોયલ ફેમિલીને હાલ ક્રાઉન એસ્ટેટની નફામાંથી ૨૫ ટકા હિસ્સો મળે છે જે અગાઉ ૧૫ ટકા હતો. જોકે, બકિંગહામ પેલેસની નવસજાવટના ખર્ચાને પહોંચી વળવા તેમાં વધારો કરાયો હતો. ક્વીનને ૨૦૧૯માં કરદાતાના ભંડોળમાંથી ૮૨.૪ મિલિયન પાઉન્ડ અપાયાં હતાં અને તેમણે ૨૯૬ સત્તાવાર કાર્યક્રમ-મુલાકાતો યોજ્યાં હતાં. આ રકમ યુકેના દરેક નાગરિકદીઠ ૧.૨૩ પાઉન્ડની સમકક્ષ હોવાનો પેલેસનો દાવો છે. સોવરિન ગ્રાન્ટમાંથી શાહી પરિવારના પ્રવાસો સહિતની જાહેર ફરજો, ક્વીનના ઘરપરિવારનો વહીવટી અને પેલેસીસનો નિભાવખર્ચ કરવામાં આવે છે. પેલેસ દ્વારા ગત સપ્ટેમ્બરમાં જણાવાયું હતું કે કોવિડ-૧૯ના કારણે ભંડોળમાં ૩૫ મિલિયન પાઉન્ડની તંગી સર્જાઈ હતી પરંતુ, તેઓ વધુ જાહેર નાણાની માગણી કરશે નહિ. શાહી મદદનીશોએ જણાવ્યું હતું કે પરિવારે ખર્ચકાપ મૂકવો પડશે જેની સીધી અસર નોકરીઓ પર થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter