ક્વીનના શાસનની પ્લેટિનમ જ્યુબિલીઃ ઉજવણીના ઉત્સાહનો થનગનાટ

Wednesday 01st June 2022 05:04 EDT
 
 

લંડનઃ 96 વર્ષીય બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના આરંભને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સમગ્ર બ્રિટનના પ્રજાજનો-નાગરિકો ઉત્સાહ સાથે આ જ્યુબિલી ઉત્સવને ઉજવવા થનગની રહ્યા છે. ગુરુવાર 2 જૂનથી ચાર દિવસના વીકએન્ડમાં ઉજવણી થવાની છે ત્યારે શાહી પરિવારના ચાહકો તો બે દિવસ અગાઉથી જ ધ મોલ ખાતે ધામા નાખીને પડ્યા છે. આર્મ્ડ ફોર્સીસે 31 મેની સવારે 5 જૂને યોજાનારા પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ માટે આખરી રિહર્સલ કર્યું હતું. બ્રિટિશ નેવી, બ્રિટિશ આર્મી અને રોયલ એર ફોર્સના જવાનોએ રાજધાની લંડનના રાજમાર્ગો પર કરેલી રિહર્સલ પરેડ પણ દર્શનીય બની રહી હતી. વર્ષ 2002માં ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી થઈ તે પછી પ્રથમ વખત ગોલ્ડ સ્ટેટ કોચ શેરીઓમાં લાવવામાં આવ્યો હતો. મેડમ તુસ્સાદ મ્યુઝિયમમાં પણ ક્વીનની પ્રતિમાને આખરી ઓપ અપાયો છે.
સમગ્ર બ્રિટનમાં શાહી ચાહકો વિવિધ આયોજનો કરી રહ્યા છે. બર્મિંગહામમાં ક્વીનની 5 ફૂટ 3 ઈંચની શાહી કેક પણ તૈયાર કરાઈ છે જેમાં, 400 ઈંડા, 24 કિલોગ્રામ લોટ અને 24 કિલોગ્રામ માખણનો ઉપયોગ કરાયો છે. આ કેકનો આસ્વાદ 200 લોકો માણી શકશે. ક્વીનના આદમકદના પૂતળાં બનાવાઈ રહ્યા છે અને લોકો તેની પાસે ઉભા રહી તસવીરો પણ પડાવે છે.
ગુરુવારથી ચાર દિવસના વીકએન્ડમાં થનારી ઉજવણી બાબતે ખુદ ક્વીન પણ ઉત્સાહી છે. તેઓ પોતાના પ્રિય શ્વાન કોર્ગી સાથે સ્કોટિશ નિવાસ બાલ્મોરલથી ફ્લાઈટમાં વિન્ડસર આવી પહોંચ્યા છે. ગુરુવારે સ્પેશિયલ ટ્રુપિંગ ધ કલર ઈવેન્ટ છે અને શુક્રવાર 3 જૂને થેન્ક્સગિવિંગ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર 4 જૂને ક્વીનની ફેવરિટ એપ્સમ ડર્બી યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter