ક્વીનના હસ્તે એલિઝાબેથ ક્રોસ રેલલાઈન્સનું લોકાર્પણ

Wednesday 18th May 2022 04:42 EDT
 
 

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 14.8 બિલિયન પાઉન્ડના ખર્ચે નિર્માણ કરાયેલી એલિઝાબેથ ક્રોસરેઈલ લાઈન્સનું મંગળવાર 17 મેના રોજ સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. ચાલવાની તકલીફથી પીડાતાં હોવાં છતાં, 96 વર્ષીય ક્વીને અર્લ ઓફ વેસેક્સ - પ્રિન્સ એડવર્ડની સાથે પેડિંગ્ટન સ્ટેશનની આશ્ચર્યજનક મુલાકાત લીધી હતી. હાલમાં ક્વીન શાહી નિવાસસ્થાનોથી બહાર જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ દેખા દે છે. તાજેતરમાં ક્વીને પાર્લામેન્ટ સત્રના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપી ન હતી. ક્વીન આવવાનાં છે તેની આગોતરી જાણ કાર્યક્રમના આયોજકોને પણ ન હતી અને ઉદ્ઘાટન પ્રિન્સ એડવર્ડના હાથે થવાનું હતું પરંતુ, સાનંદાશ્ચર્ય વચ્ચે ક્વીન હાથમાં વોકિંગ સ્ટિક સાથે આવી પહોંચ્યાં હતા. ક્વીન ભાગ્યે જ રોકડ રકમ લઈને ફરે છે ત્યારે તેમના માટે ખાસ ઓઈસ્ટર કાર્ડ લેવાયું હતું અને ક્વીને તેનો ઉપયોગ કર્યો હતો. પ્રફુલવદના ક્વીન સ્ટેશન પર 10 મિનિટ ગાળીને રવાના થઈ ગયાં હતાં. એલિઝાબેથ લાઈન્સના નિર્માણમાં ચાર વર્ષનો વિલંબ અને બજેટ કરતા વધુ 4 બિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને લંડનના મેયર સાદિક ખાને પણ એલિઝાબેથ લાઈન્સમાં ક્વીન સાથે પ્રવાસ કર્યો હતો. આ લાઈન જાહેર પ્રજા માટે 24 મેથી ખુલ્લી મૂકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter