ક્વીનના હસ્તે બકિંગહામ પેલેસમાં યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭નું લોન્ચિંગ

રુપાંજના દત્તા Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના સત્તાવાર લોન્ચિંગ નિમિત્તે સોમવાર ૨૭ ફેબ્રુઆરીએ રીસેપ્શનનું આયોજન કરી રહ્યાં છે. આ પ્રસંગે પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરા, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રીજ તથા શાહી પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી પણ આ રીસેપ્શનમાં ખાસ હાજર રહેશે. યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭માં બંને દેશોના ગાઢ સાંસ્કૃતિક સંબંધો અને ભારતની સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે, જેમાં બંને દેશોમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે.

 બે દેશો વચ્ચેના દીર્ઘ સંબંધો અને વિશિષ્ટ સાંસ્કૃતિક ઈતિહાસને ઉજવવા લોકોને પ્રેરિત કરવા અને પ્રજાઓને સાંકળવાના હેતુ સાથે કાર્યક્રમોનું આયોજન બ્રિટિશ કાઉન્સિલ, લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન, યુકે અને ભારતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.

આ રીસેપ્શનમાં બંને દેશો સાથે નિકટનો નાતો ધરાવતા હાઈ પ્રોફાઈલ મહેમાનો ઉપસ્થિત રહેશે તેમજ બ્રિટિશ અને ભારતીય સંસ્કૃતિ તથા સર્જનાત્મકતાનો સંગમ જોવા મળશે. પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન, ફૂડ, સાહિત્ય અને સ્પોર્ટના ક્ષેત્રોમાં સન્માનીય મહેમાનોમાં કુણાલ નૈય્યર, નેહા કપૂર, આયેશ ધારકર, કપિલ દેવ, રિયો ફર્ડિનાન્ડ, અનુષ્કા શંકર અને જો રાઈટ સહિતનો સમાવેશ થાય છે.

રીસેપ્શનની સાંજે રોયલ શેફ્સ અને યુકેના સૌથી જૂના ભારતીય રેસ્ટોરા વીરાસ્વામી શેફ્સ સાથે મળી ભારતીય થીમ આધારિત વાનગીઓનો રસથાળ રજૂ કરશે. આ ઉપરાંત, રોયલ કલેક્શનમાંથી શાહી પરિવાર દ્વારા અગાઉ ભારત મુલાકાતો, ભારતીય ગિફ્ટ્સ અને રોયલ લાઈબ્રેરીની હસ્તપ્રતો સહિતની આઈટમોનું ડિસ્પ્લે પણ કરવામાં આવનાર છે. આ અગાઉ, દિવસે ચેન્જિંગ ઓફ ગાર્ડ્સ સેરિમનીમાં બેન્ડ ઓફ ગ્રેનેડિયર ગાર્ડ્સ દ્વારા ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મના સાઉન્ડટ્રેક સહિત પસંદગીના ભારતીય થીમના સંગીતનું વાદન કરવામાં આવનાર છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવાર ભારત સાથે અંગત સંબંધો ધરાવે છે અને અનેક વખત તેમણે ભારતની મુલાકાત લીધી છે. ક્વીન અને પ્રિન્સ ફિલિપની પ્રથમ મુલાકાત ૧૯૬૧માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના મહેમાન તરીકે હતી. આ પછી, તેમણે ૧૯૮૩ અને ૧૯૯૭માં સત્તાવાર મુલાકાતો લીધી હતી. તેમણે ૨૦૦૯માં મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતિ પ્રતિભા પાટિલને વિન્ડસર કેસલમાં આવકાર્યાં હતાં. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે ૨૦૧૬માં ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter