લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને 14 સપ્ટેમ્બર બુધવારની સાંજથી લોકોના દર્શનાર્થે લંડનના વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવેલ છે ત્યાં પહેરા પર રહેલા એક રોયલ ગાર્ડના અચાનક જમીન પર પડી જવાની ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. આ ઘટનાના કારણે ટેલિવિઝન બ્રોડકાસ્ટ બંધ કરી દેવાયું હતું. સોમવાર 19 સપ્ટેમ્બરે ફ્યુનરલ થાય તે પહેલા સવાર સુધી લોકો તેમનું દર્શન કરી શકશે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને લંડનમાં રાખવામાં આવેલ છે અને લોકોએ તેમના દર્શન કરવા લાંબી કતારો લગાવી હતી. 14 સપ્ટેમ્બરની મોડી રાત્રે આશરે એક વાગ્યાના સુમારે ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત રોયલ ગાર્ડ્સમાંથી એક ગાર્ડ જમીન પર પડી ગયો હતો. બીબીસી પર લાઈંગ-ઈન-સ્ટેટનું જીવંત પ્રસારણ કરાઈ રહ્યું હતું ત્યારે તેના ફૂટેજમાં આ ઘટના જોવા મળી છે. કાળા વસ્ત્રોમાં સજ્જ રોયલ ગાર્ડ બેભાન થઈને પડ્યો ત્યારે તેના હાથમાં સેરેમોનિયલ સ્ટાફ-દંડ હતો. નજીકના અધિકારીઓ તત્કાળ તેની મદદે દોડી ગયા હતા અને આ રુમનું જીવંત ટેલિ પ્રસારણ બંધ કરી બહારના દૃશ્યો દેખાડાયા હતા. એક કલાક પછી પણ હોલનું અંદરનું પ્રસારણ ચાલુ કરાયું ન હતું. જોકે, આ ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરી વળ્યું હતું.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કોફિનને દર્શનાર્થે રખાયું છે ત્યાં સેરેમોનિયલ યુનિફોર્મમાં સૌનિકો 24 કલાક નજર રાખી રહ્યા છે. આ સ્થળે સોવરિનના બોડીગાર્ડ્સ, ધ હાઉસહોલ્ડ ડિવિઝન અથવા યેઓમીન વોર્ડ્સ ઓફ ધ ટાવર ઓફ લંડન યુનિટ્સના ગાર્ડ્સે શબપેટીના ચાર ખૂણે સતત સીધા ઉભા રહેવાનું હોય છે. દર 20 મિનિટે ગાર્ડ બદલાય છે પરંતુ, છ કલાકની તેમની ડ્યૂટી રહે છે.


