લંડનઃ બકિંગહામ પેલેસના ૧૦ વર્ષ સુધી ચાલનારા સમારકામના પગલે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના વેતનમાં આઠ ટકા એટલે કે ૬ મિલિયન પાઉન્ડનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. શાહી પરિવારના મુખ્ય પેલેસમાં આગામી થોડા મહિનામાં સમારકામનો આરંભ થશે, જેની પાછળ ૩૬૯ મિલિયન પાઉન્ડ ખર્ચાશે. શાહી પરિવારનો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૬-૧૭માં ૫૬.૮ મિલિયન પાઉન્ડ હતો.
બ્રિટિશ રાજાશાહીને સરકાર તરફથી ૪૨.૮ મિલિયન પાઉન્ડ સોવરિન ગ્રાન્ટ તરીકે મળ્યા હતા અને ૧૪.૯ મિલિયન પાઉન્ડ તેમની આવકમાંથી ખર્ચાયા હતા. ૯૦૦,૦૦૦ પાઉન્ડની બચત રીઝર્વ ફંડમાં ગઈ હતી, જે ભવિષ્યમાં કામ લાગી શકે. શાહી પરિવારની નાણાકીય બાબતો સંભાળતા એલન રિડે જણાવ્યું હતું કે ૨૦૧૬-૧૭ની સોવરિન ગ્રાન્ટ પાઠળ યુકેના વ્યક્તિદીઠ ૬૫ પેન્સનો ફાળો હતો.
આગામી વર્ષે સોવરિન ગ્રાન્ટ ૭૬.૧ મિલિયન પાઉન્ડ
સોવરિન ગ્રાન્ટ રાણીના હાઉસહોલ્ડ સ્ટાફ, પ્રોપર્ટીના નિભાવ, સત્તાવાર પ્રવાસો, હાઉસકીપિંગ અને મહેમાનગતિના ખર્ચા માટે આપવામાં આવે છે. રાણીની વારસાગત જમીનો અને પ્રોપર્ટી પોર્ટફોલિયો- ક્રાઉન એસ્ટેટ- ૧૭૬૦ના સોદા અંતર્ગત ટ્રેઝરીને સોંપી દેવાઈ હતી. ક્રાઉન એસ્ટેટના પ્રોફિટના ૧૫ ટકા જેટલી રકમ સોવરિન ગ્રાન્ટની થાય છે, જે બકિંગહામ પેલેસના ૧૦ વર્ષના સમારકામ માટે વધીને ૨૫ ટકા જેટલી કરાશે. આથી, ૪૨.૮ મિલિયન પાઉન્ડ સોવરિન ગ્રાન્ટ વધીને આવતા વર્ષે ૭૬.૧ મિલિયન પાઉન્ડ થશે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં ક્રાઉન એસ્ટેટનો નફો અગાઉના વર્ષની સરખામણીએ ૮.૧ ટકા વધીને ૩૨૮.૮ મિલિયન પાઉન્ડ થયો હતો. પેલેસના સમારકામનો ખર્ચ ૩૬૯ મિલિયન પાઉન્ડ થશે, જેમાંથી ૧૩૯ મિલિયન પાઉન્ડ સમારકામ પૂર્ણ થયે લોકોની મુલાકાત માટે તેને વધુ દિવસ ખુલ્લો રાખીને મેળવાશે.
શાહી પરિવારનો બિઝનેસ ક્લાસમાં પ્રવાસ
શાહી સૂત્રોના જણાવ્યા અનુસાર શાહી પરિવારના સભ્યો ખર્ચકાપ માટે ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવાના બદલે મોટા ભાગે બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરે છે. રાણીએ તેમની તમામ મુલાકાત યોજના જણાવવી પડે છે અને ઘણા પ્રવાસ તો ભારે ખર્ચાળ હોય છે. શાહી પરિવારે ગયા વર્ષે ૩,૦૦૦થી વધુ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને વિદેશની ૬૫ મુલાકાતો યોજી હતી. રાણીના ૯૬ વર્ષીય પતિ પ્રિન્સ ફિલિપ આ વર્ષથી શાહી ફરજોમાંથી નિવૃત્ત થયા છે અને પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ સહિત યુવાન સભ્યોની ફરજોમાં વધારો થશે.


