ક્વીનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીનો આનંદપૂર્ણ માહોલ

Thursday 26th May 2022 06:04 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ રાજગાદી પર શાસનના 70 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યાં છે. આ નિમિત્તે ચાર દિવસની રજાની મોજ બ્રિટિશરો માણવાના છે. પ્લેટિનમ જ્યુબિલી વીકએન્ડનો આરંભ ગુરુવાર 2 જૂનથી થશે અને રવિવાર 5 જૂને તેનું સમાપન થશે.

આ સમયગાળામાં શાહી પરિવારના મહત્ત્વના સભ્યોને સાંકળતા અનેક ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વીને સોમવાર 23 મેએ ચેલ્સી ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અને તેઓ ભારે ઉત્સાહિત અને ખુશનુમા જણાયાં હતાં.
ચાર દિવસના બેન્ક હોલીડે વીકએન્ડમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં, ટ્રુપિંગ ધ કલર, સર્વિસ ઓફ થેન્ક્સગિવિંગ, ધ પ્લેટિનમ બીકન્સ, પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ અને સિતારાઓથી ભરચક કોન્સર્ટનો સમાવેશ થાય છે. સ્ટ્રીટ પાર્ટીઓ ઉજવણીની બ્રિટિશ પરંપરાનો હિસ્સો ગણાય છે. દેશભરમાં બ્રિટિશરો દ્વારા હજારો સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન પણ કરાયું છે.
સંખ્યાબંધ સંસ્થાઓ અને સંગઠનો, ચેરિટીઝ, જૂથો અને વ્યક્તિઓ દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવાની યોજનાઓ ઘડાઈ છે. આ સપ્તાહે જ ચેલ્સી ફ્લાવર શોની શરૂઆત થઈ છે જેમાં, પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે ક્વીનનું વિશેષ ફ્લોરલ પોટ્રેઈટ તૈયાર કરવામાં આવ્યું છે. ક્વીને હરવાફરવાની સમસ્યાના કારણે આ વર્ષે મોટા ભાગે વર્ચ્યુઅલ હાજરી આપવાનું પસંદ કર્યું છે પરંતુ, તેમણે ચેલ્સી ફ્લાવર શોમાં ખાસ હાજરી આપી હતી અને ઈલેક્ટ્રિક બગીમાં સવારીની મોજ માણી હતી.
બકિંગહામ પેલેસ દ્વારા જણાવાયું છે કે પ્લેટિનમ જ્યુબિલી વીકએન્ડના ઉજવણી કાર્યક્રમોમાં ક્વીનની ઉપસ્થિતિ વિશે છેલ્લા દિવસ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરી શકાય તેમ નથી. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પોતાના દાયકાઓના શાસનમાં સંખ્યાબંધ ઈવેન્ટ્સ, સૌંદર્યસ્પર્ધાઓ અને પ્રવાસોની સાથે સિલ્વર, ગોલ્ડ અને ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણીઓ કરી છે.
• ક્વીન 2 જૂને મિલિટરી પરેડ સાથે પોતાના ‘સત્તાવાર’ જન્મદિનની ઉજવણી કરશે. ટ્રુપિંગ ધ કલર નામે ઓળખાતી વાર્ષિક ઉજવણી બકિંગહામ પેલેસની બહાર ધ માલ ખાતે યોજાય છે. આ ઈવેન્ટમાં બકિંગહામ પેલેસની બાલ્કનીમાં શાહી પરિવારના સભ્યો હાજરી આપે છે.
• દરમિયાન ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નિમિત્તે તેમના બે બાળકો આર્ચી અને નાનકડી પુત્રી લિલિબેટ સાથે યુકેની મુલાકાત લેવાના છે. રોયલ ફેમિલીના સીનિયર સભ્યો તરીકે 2020માં પદત્યાગ કર્યા પછી સસેક્સ દંપતી સૌપ્રથમ વખત બાળકો સાથે યુકે આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter