ક્વીનની રોયલ પ્લેટિનમ જ્યુબિલી અને કોમનવેલ્થ ગેમ્સ નિમિત્તે નવા સિક્કા

Thursday 30th December 2021 04:59 EST
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયનાં શાસનના ૭૦ વર્ષની રોયલ પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે નવા ૫૦ પેન્સ અને પાંચ પાઉન્ડના સિક્કા અને પ્લેટિનમ સંગ્રાહક સેટ રોયલ મિન્ટે લોન્ચ કર્યા છે. આ ઉપરાંત, આગામી વર્ષે બર્મિંગહામમાં યોજાનારા કોમ્નવેલ્થ ગેમ્સના રમતોત્સવના માનમાં નવા ૫૦ પેન્સના સિક્કા પણ લોન્ચ કરાયા છે.

બ્રિટિશ ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમના શાસનના ૭૦ વર્ષ આગામી વર્ષે પૂર્ણ કરી રહ્યાં છે. આ સીમાચિહ્નને ધ્યાનમાં રાખી રોયલ મિન્ટ દ્વારા નવા ૫૦ પેન્સ અને પાંચ પાઉન્ડના સિક્કા જારી કરવામાં આવ્યા છે. રોયલ પ્લેટિનમ જ્યુબિલી આગામી વર્ષની છઠ્ઠી ફેબ્રુઆરીએ છે. પાંચ પાઉન્ડના સિક્કાને ક્રાઉન તરીકે ઓળખાવાય છે અને દરેક જ્યુબિલી પ્રસંગે તે લોન્ચ કરવામાં આવે છે. જોકે, ૫૦ પેન્સનો સિક્કો પ્રથમ વખત જારી કરાયો છે. દરેક સિક્કાની એક બાજુએ નવી સુંદર વિશિષ્ટ ડિઝાઈન અંકાઈ છે જ્યારે બીજી બાજુએ ક્વીનનું મસ્તક અંકાયું છે.

ક્વીન એલિઝાબેથ સૌથી લાંબુ શાસન કરનારા જીવંત મોનાર્ક છે. તેમના વધુ શાસન કરનારા પૂર્વ રાજવી ફ્રાન્સના લૂઈ ૧૪માએ ૭૨ વર્ષ અને ૧૧૦ દિવસ રાજ કર્યું હતું. પરંતુ, ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૨૭ મે, ૨૦૨૪ના દિવસે તે વિક્રમને તોડી નાખશે.

દરમિયાન, દંતકથારુપ ગાયિકા ડેમ વેરા લીન તેમજ શોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલના જીવન અને વારસાની કદર કરતા બે પાઉન્ડના સિક્કા પણ રોયલ મિનિટ જારી કરશે. આ સાથે બર્મિંગહામ ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સના માનમાં ૫૦ પેન્સનો સિક્કો જારી કરાશે જેની ડિઝાઈન રોયલ મિન્ટના નટાશા પ્રીસ દ્વારા કરાઈ છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૮ જુલાઈથી ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન બર્મિંગહામના પેરી બારના પુનઃસર્જિત એલેકઝાન્ડર સ્ટેડિયમ ખાતે યોજાવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter