લંડનઃ રોયલ મિન્ટ દ્વારા ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૨૧ એપ્રિલે આવતી ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાતુના પાંચ પાઉન્ડના ખાસ સ્મારક સિક્કા બહાર પાડશે, જેની કિંમત ૫,૦૦૦ પાઉન્ડ રાખવામાં આવી છે. ફુલો અને કુદરત પ્રત્યેના ક્વીનના શોખને અનુલક્ષીને સિક્કા પર ગુલાબનો હાર અંકિત કરવામાં આવ્યો છે. ક્વીને ઉજવણી નિમિત્તેના આ ખાસ સિક્કાને મંજૂરી આપી છે.
આ સિક્કાની ડિઝાઈન આર્ટિસ્ટ અને શિલ્પકાર ક્રિસ્ટોફર હોબ્સે તૈયાર કરી છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ સહિતની ધાતુમાં ઉપલબ્ધ થનારા સિક્કાની કિંમત ૨૦ પાઉન્ડથી લઈને દુર્લભ પ્લેટિનમના સિક્કા માટે ૫,૦૦૦ પાઉન્ડ રખાઈ છે.
રોયલ મિન્ટ દ્વારા ૨૧ એપ્રિલના દિવસે ક્વીનની સાથે જે લોકો ૯૦ વર્ષના થશે તેમને આ સિક્કો વિનામૂલ્યે અપાશે. આ લોકોના મિત્રો કે પરિવારજનોએ રોયલ મિન્ટના ફેસબુક પેજ પર તેમના નામ નોંધાવવાના રહેશે. મિન્ટની વેબસાઈટ પર પણ આ સ્મરણરુપ સિક્કા માટે ઓર્ડર નોંધાવી શકાશે.


