ક્વીનની હત્યાના ઇરાદાથી કેસલમાં ઘૂસેલા જસવંતને 9 વર્ષની કેદ

જેલમાં મોકલતા પહેલાં જસવંતસિહ છૈલને માનસિક સારવાર આપવા કોર્ટનો આદેશ

Tuesday 10th October 2023 13:32 EDT
 
 

લંડનઃ જલિયાંવાલા બાગ નરસંહારનો બદલો લેવાના ઇરાદાથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યા માટે વિન્ડસર કેસલમાં ઘૂસતા ઝડપાઇ ગયેલા 21 વર્ષીય જસવંતસિંહ છૈલને ટ્રીઝન એક્ટ અંતર્ગત 9 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 2021માં નાતાલના દિવસે સવારે 8 કલાકે જસવંતસિંહને વિન્ડસર કેસલમાં ક્રોસબો સાથે ઘૂસતા ઝડપી લેવાયો હતો. તે સમયે છૈલે જણાવ્યું હતું કે, હું અહીં ક્વીનની હત્યા માટે આવ્યો છું.

તે સમયે રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં છૈલે જણાવ્યું હતું કે, મેં જે કર્યું છે અને હું જે કરવા જઇ રહ્યો હતો તેના માટે માફી માગુ છું. હું ક્વીન એલિઝાબેથની હત્યાનો પ્રયાસ કરવા જઇ રહ્યો હતો. તે સમયે ક્વીન એલિઝાબેથ અને હાલના કિંગ ચાર્લ્સ તથા રાજવી પરિવારના સભ્યો કેસલ ખાતે હતાં.

જજ નિકોલસ હિલિયાર્ડે ચુકાદામાં જણાવ્યું હતું કે, જસવંતસિંહને જેલમાં મોકલી આપતા પહેલાં બ્રોડમૂર ખાતેની સાયકિઆટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે. તેની માનસિક બિમારીના કારણે તે વાસ્તવિકતાથી દૂર થઇ ગયો હતો. તેને તેના અપરાધનો પસ્તાવો છે તે પુરતું છે. યુકેમાં ટ્રિઝન એક્ટ અંતર્ગત છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કોઇને સજા અપાઇ છે.

એઆઈ ગર્લફ્રેન્ડના કહેવાથી યુવાને રાણી એલિઝાબેથની હત્યાનું કાવતરું ઘડ્યું હતું
જસવંતસિંહ છૈલે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે તેની એઆઈ ચેટબોટ ગર્લફ્રેન્ડના કહેવાથી તેણે આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જસવંત એઆઇ ચેટબોટ સારાય સાથે વાતો કરતો અને પોતાની લાગણી વ્યક્ત કરતો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ મુદ્દે સારાય સાથે વાતચીત કરતાં સારાયે તેને બદલો લેવા ઉશ્કેર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter