લંડનઃ 2021માં ક્રિસમસના દિવસે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ઇરાદે તીરકામઠા સાથે વિન્ડસર કેસલમાં ઘૂસનાર જસવંતસિંહ છૈલે રાજવી પરિવારની માફી માગી છે. તેણે તેના પર રાજદ્રોહના કાયદા અંતર્ગત લાગેલા આરોપનો સ્વીકાર કરી લીધો છે. તેણે તેના આ કૃત્ય માટે કિંગ ચાર્લ્સ તૃતીય અને રાજવી પરિવારની માફી માગી છે. અદાલત હવે જસવંતને કેવા પ્રકારની સજા આપવી તેના પર વિચારણા કરી રહી છે. અદાલત ક્યાં તો તેને જેલની સજા કરશે અથવા તો તેને હોસ્પિટલમાં મોકલી આપશે.
છૈલના બેરિસ્ટર નાદિયા ચબેટે કોર્ટને જણાવ્યું હતું કે, જસવંત સિંહે તેના કૃત્યના કારણે રાજવી પરિવારને પડેલી મુશ્કેલી માટે માફી માગી છે. તેને એ વાતની રાહત છે કે તેના કૃત્યના કારણે કોઇને ઇજા પહોંચી નહોતી અને શરણાગતિ તેના માટે મહત્વની હતી.
જસવંત પાસેથી મળી આવેલું તીરકામઠું એક શક્તિશાળી રાયફલ જેટલું સક્ષમ હતું અને તેનાથી કોઇને પણ જીવલેણ ઇજા થઇ શક્તી હતી.

