ક્વીનની ૪૦૫,૦૦૦ વોલન્ટીઅર્સને ‘સેલ્યુટ’

Monday 30th March 2020 05:48 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે યુકેના સ્વયંસેવકોના આર્મીને ‘સેલ્યુટ’ કરવા સાથે સરાહનાપૂર્ણ આભાર વ્યક્ત કર્યો છે. સરકારની અપીલ સાથે માત્ર ૨૪ કલાકમાં ૪૦૫,૦૦૦ વોલન્ટીઅર્સ NHS સહિતની કામગીરીને પ્રોત્સાહિત કરવા સામેલ થયા છે. સરકારે આરોગ્ય સેવા, અસુરક્ષિત લોકો માટે ખરીદી કરવા, દવાઓ પહોંચાડવા માટે સ્વયંસેવકોની અપીલ કરી હતી જેને, ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. વડા પ્રધાન જ્હોન્સને ૨૫ માર્ચની રાત્રે કહ્યું હતું કે વોલન્ટીઅર્સની સંખ્યા કોવેન્ટ્રીની જનસંખ્યા જેટલી જ ૪૦૦,૦૦૦થી વધી ગઈ છે.

સરકારે વોલન્ટીઅર્સની સંખ્યાનું લક્ષ્યાંક ૨૫૦,૦૦૦નું રાખ્યું હતું પરંતુ, ૨૪ કલાકથી ઓછા સમયમાં બહોળા પ્રતિસાદ સાથે સંખ્યા ૪૦૫,૦૦૦ની થઈ હતી. વડા પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં દેશ માટે આગળ આવનારા લોકોનો વિશેષ આભાર માન્યો હતો. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પેશન્ટ્સને હોસ્પિટલોમાં લાવવા- ઘેર પરત લઈ જવા, એકાંતવાસમાં રહેલા લોકોને દવાઓ અને ખાદ્યપદાર્થો પહોંચાડવા સહિતની કામગીરી માટે વેલન્ટીઅર્સને આગળ આવવા અપીલ કરી હતી.

અગાઉ, હાકલની રાત્રે જ ૧૭૦,૦૦૦ લોકો સેવા માટે આગળ આવ્યા હતા અને વડા પ્રધાને કહ્યું હતું કે દિવસ દરમિયાન વોલન્ટીઅર્સની સંખ્યા વધતી જ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે ‘અપીલ જારી કરી ત્યારે થોડા દિવસો માટે ૨૫૦,૦૦૦ વોલન્ટીઅર્સ મળી રહે તેવી આશા રાખી હતી પરંતુ, માત્ર ૨૪ કલાકમાં ૪૦૫,૦૦૦ વોલન્ટીઅર્સ આગળ આવ્યા હતા.’ 

દરમિયાન, બ્રિટનમાં કોરોના વાઈરસથી વધુ ૨૦૯ મૃત્યુ સાથે આંકડો ૧૨૨૮નો તેમજ ચેપગ્રસ્તોનો આંકડો ૧૯,૫૨૨ થયો છે. જોકે, ઈંગ્લેન્ડમાં વધુ ૨૮ મૃત્યુ જ થયા હતા જે આંક મંગળવારે ૮૩ મોતનો હતો અને તેમાં ઘટો જોવાયો છે. સ્કોટલેન્ડમાં છ, વેલ્સમાં પાંચ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ચાર મૃત્યુ નોંધાયાં હતાં.

NHS, અસુરક્ષિત અને વયોવૃદ્ધ લોકો માટે ખરીદી કરવા તેમજ દવાઓ પહોંચાડવા સહિતની કામગીરી માટે સહાયકોની આવશ્યકતા છે. સરકારની અપીલના પ્રતિસાદમાં NHSમાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા આશરે ૧૨,૦૦૦ કર્મચારી આરોગ્યસેવામાં પરત ફર્યા છે જેમાં, ૨૬૬૦ ડોક્ટર્સ, ૨૫૦૦થી વધુ ફાર્માસિસ્ટ તેમજ ૬૧૪૭ નર્સીસ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા ૫,૫૦૦ તબીબી વિદ્યાર્થીઓ અને ફાઈનલ યરની ૧૮,૭૦૦ નર્સીસ પણ અગ્રહરોળમાં કામે લાગી જવાના છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter