લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ૧૧ મે,મંગળવારે પાર્લામેન્ટના સત્તાવાર ઓપનિંગમાં સરકારના પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. હાઉસ ઓફ લોર્ડ્સમાં સંબોધનમાં તેમણે સંસદના અગાઉના સત્રમાં લવાયેલા ઘણા બિલ્સ સહિત સરકાર આગામી વર્ષમાં પસાર કરવાનો ઇરાદો રાખે છે તેવા ૩૦ કાયદા વિષે માહિતી આપી હતી. પતિ પ્રિન્સ ફિલિપના નિધન પછી સ્ટેટ ઓપનિંગ ક્વીનનું પ્રથમ મહત્ત્વપૂર્ણ જાહેર કાર્ય છે. ક્વીનની સાથે પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ ઉપસ્થિત રહ્યાં હતાં.
ક્વીને જણાવ્યું હતું કે સરકાર મહામારીમાંથી દેશને બહાર લાવશે જેનાથી યુનાઈટેડ કિંગ્ડમ વધુ મજબૂત, સ્વસ્થ અને અગાઉ કરતાં વધુ સમૃદ્ધ બનશે. સરકાર સમગ્ર યુનિયનમાં આર્થિક સંબંધો મજબૂત બનાવશે તેમજ રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો કરી સુધારા કરશે. આ ઉપરાંત, શિક્ષણ, મહિલાઓનાં અધિકારો, રોજગારમાં વધારો, પુખ્ત વયના દરેક લોકોને અભ્યાસક્રમો અને તાલીમ માટે લોનયોજનાઓ, ગેરકાયદેર ઇમિગ્રેશન પર આક્રમણ, પર્યાવરણ અને પ્લાનિંગ કાયદાઓને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. બે વર્ષ અગાઉ બોરિસ જ્હોન્સને સત્તા સંભાળી ત્યારે સોશિયલ કેરમાં સુધારાને પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું હતું પરંતુ, ક્વીનના સંબોધનમાં આ બાબતે કોઈ નક્કર પ્રસ્તાવો રજૂ કરાયા ન હતા.
ક્વીને સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા કોરોના મહામારીમાંથી રાષ્ટ્રીય પુનરુત્થાન કરવાની છે, આ માટે સરકાર યુકેના તમામ ભાગોમાં તકો ઉભી કરશે, નોકરીઓ, ધંધા અને આર્થિક વિકાસને ટેકો આપશે અને જાહેર સેવાઓ પર મહામારીના પ્રભાવને દૂર કરશે. સરકાર રાષ્ટ્રના સ્વાસ્થ્યનું રક્ષણ કરશે, રસીકરણ કાર્યક્રમ ચાલુ રાખશે અને ટેકનોલોજીના નવીનીકરણ સાથે NHSને ટેકો આપી સશક્ત બનાવવા કાર્ય કરશે.
ક્વીનના સંબોધનમાં હેલ્થ એન્ડ કેર બિલ, સોશિયલ કેર,અનેક સમસ્યાઓના અટકાવની નીતિ, માનસિક આરોગ્ય કાયદામાં સુધારા,નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન, સ્કિલ્સ એન્ડ પોસ્ટ-૧૬ એજ્યુકેશન, શૈક્ષણિક વિનિમય, સબસિડી કન્ટ્રોલ, પ્રોક્યોરમેન્ટ, પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ, નેશનલ ઈન્સ્યુરન્સ કન્ટ્રિબ્યુશન્સ અને પ્લાનિંગ બિલ સહિતના બિલ્સનો ઉલ્લેખ કરાયો હતો.
નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ ક્વીન્સ સ્પીચની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘શાહી સંબોધનને ચર્ચા માટે મૂકવાનું મારા અને મારા મતદારો માટે ભારે ગૌરવની બાબત છે. દેશ પ્રતિ ક્વીનની પ્રતિબદ્ધતા આપણા સહુ માટે ઉદાહરણીય છે.’ તેમણે મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે,‘આપણે ઈતિહાસના અભૂતપૂર્વ સમયગાળામાં મળી રહ્યા છીએ, એ સમય જ્યાં, માત્ર આપણા દેશમાં નહિ સમગ્ર વિશ્વમાં અંધકારનો ઓછાયો છે. આપણા ટેલિવિઝન પર ભારતમાં જે આઘાતજનક દૃશ્યો જોવા મળે છે તે યાદ અપાવે છે કે જ્યાં સુધી બધા સુરક્ષિત નહિ હોય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી.’