ક્વીનનો અનાદર કરતા હેરી અને મેગનઃ સસેક્સ દંપતી શાહી ભૂમિકાઓથી વંચિત

Wednesday 24th February 2021 04:54 EST
 
 

લંડનઃ બકિંગહામ પેલેસે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને તેમના બાકી રહેલી શાહી ભૂમિકાઓથી પણ વંચિત કરવાની જાહેરાત કર્યા પછી રોષે ભરાયેલા સસેક્સ દંપતીએ ક્વીનનું લગભગ અપમાન કરાયું હોય તેવા નિવેદનમાં જણાવ્યું હતું કે સેવા યુનિવર્સલ હોય છે અને તેઓ આવી સેવા કરતા રહેશે. ક્વીને તેમના ગ્રાન્ડસન હેરીને એમ કહ્યાનું મનાય છે કે ‘તમે મોનાર્કી (રાજાશાહી) માટે કામ કરો છો, મોનાર્કી તમારા માટે કામ કરતી નથી.’ પ્રિન્સ ફિલિપ હોસ્પિટલમાં છે ત્યારે સસેક્સ દંપતીના શાહી પરિવાર સાથેના સંબંધો વધુ કડવાશપૂર્ણ બન્યા છે. હેરી અને મેગને અનેક હાઈ પ્રોફાઈલ ભૂમિકાઓ છોડવી પડશે.

બકિંગહામ પેલેસે ૧૯ ફેબ્રુઆરીની રાત્રે હેરી અને મેગનને વર્કિંગ રોયલ્સ તરીકે દૂર કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હેરી અને મેગન જાહેર સેવાના જીવન સાથે આવતી ફરજો અને જવાબદારીઓ બજાવી શકશે નહિ. તેઓ કેલિફોર્નિયા સ્થળાંતર કરી ગયા પછી તેમની બાકીની શાહી સેવાકીય ભૂમિકાઓનો અંત આવે છે. જોકે, આ નિવેદનથી છંછેડાયેલા હેરી અને મેગને પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે તેઓ શાહી પરિવારની બહાર રહીને પણ સેવા કરી શકે છે કારણકે સેવા યુનિવર્સલ-સાર્વત્રિક છે. સામાન્યપણે ક્વીનના નિવેદનનો વળતો ઉત્તર અપાતો નથી.

આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે રોયલ ફેમિલી સાથે છેડો ફાડવાનો નિર્ણય હેરી અને મેગનનો ખુદનો હતો. તેમણે અમેરિકામાં રહેવાનું પસંદ કર્યું છે, તેમને અમેરિકામાં દેશપાર કરાયા નથી. દંપતી કેટલીક સારી ચેરિટીઝ સાથે કામ કરે છે તે પરગજુતા છે, જાહેર સેવા નથી. સત્તાવાર ફરજો બજાવવા સાથે તમારા ખિસ્સા ભરી શકાય નહિ. તેઓ જે કરી રહ્યા છે તે શાહી પરિવારની કામગીરીથી અલગ જ છે. 

હેરી અને મેગને આ વર્ષની શરુઆતમાં તેમની પોઝિશન બાબતે વાતચીતો ફરી આગળ વધારી હતી. આ પછી, મેગનનાં ઓપ્રાહ વિન્ફ્રે સાથે ‘તમામ વાતો જાહેર કરવાની’ સોદાબાજીના સમાચાર બહાર આવતા હેરીની ઉતાવળ સમજમાં આવી ગઈ હતી. સસેક્સ દંપતીના ભાવિ વિશે સુમધુર સંયુક્ત જાહેરાત કરવા ઈચ્છુક શાહી પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. આ સાથે જ હેરી અને મેગન ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનું સત્તાવાર ટાઈટલ જાળવી રાખશે પરંતુ, હેરી તેની ત્રણ માનદ લશ્કરી પોઝિશન ગુમાવશે અને સસેક્સ દંપતી ક્વીનના કોમનવેલ્થ ટ્રસ્ટમાં તેમની ભૂમિકાઓ ગુમાવશે. શાહી ઓફિસિયલ્સના જણાવ્યા મુજબ ક્વીન અને શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો આ ભાગલાથી દુઃખી છે પરંતુ, ક્વીન પહેલાથી જ સ્પષ્ટ હતા કે સસેક્સ દંપતીની માગણી અનુસાર ‘અડધા અંદર, અડધા બહાર’નું મોડલ ચાલી શકે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter