ક્વીનનો જન્મદિને પ્રજાને સંદેશોઃ વિપરીત સંજોગોમાં પણ અડગ રહો

Wednesday 21st June 2017 06:39 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પોતાના ૯૧મા સત્તાવાર જન્મદિન ૧૭ જૂને દેશની પ્રજાને વિપરીત સંજોગોમાં પણ અડગ રહેવાનો સંદેશો પાઠવ્યો હતો. કવીને જણાવ્યું હતું કે,‘સતત ભયાનક કરુણાંતિકાઓ પછી દેશના અતિ ગમગીન મિજાજથી દૂર થવાનું મુશ્કેલ છે.’ શાહી પરિવાર રાણીના જન્મદિન નિમિત્તે ‘ટ્રુપિંગ ધ કલર’ સમારંભમાં ઉપસ્થિત રહ્યો હતો. રાણી પ્રિન્સ ફિલિપ સાથે ખુૂલ્લી બગીમાં સમારંભના સ્થળે પહોંચ્યાં હતા.

આર્મ્ડ ફોર્સીસના કેલેન્ડરમાં આ કાર્યક્રમ વિશેષ મહત્ત્વ ધરાવે છે, જ્યાં ઓફિસર્સ અને સૈનિકોના પરિવારો અને મિત્રો ગર્વ સાથે આ સમારંભ નિહાળે છે. સામાન્યપણે વડા પ્રધાન આ સમારંભમાં હાજર રહેતા હોય છે પરંતુ, ગ્રેનફેલ ટ્રેજેડી અંગે અગત્યની સરકારી મીટિંગના કારણે થેરેસા મે સમારંભમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં. બકિંગહામ પેલેસ અને ધ મોલની આસપાસ ચુસ્ત સિક્યુરિટી ગોઠવી દેવાઈ હતી.

ક્વીને શુક્રવારે ડ્યુક ઓફ કેમ્બ્રિજની સાથે ગ્રેનફેલ ટાવરના રહેવાસીઓની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી. તેમણે માન્ચેસ્ટર બોમ્બિંગના શિકાર બનેલાની પણ મુલાકાત લીધી હતી. તેમણે આ બંને ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે જન્મદિન સંદેશામાં કહ્યું હતું કે,‘ પરંપરાગત રીતે આજનો દિવસ ઉજવણીનો છે. જોકે, આ વર્ષે ગમગીનીના રાષ્ટ્રીય માહોલથી દૂર થઈ શકાય નહિ. તાજેતરમાં લંડન અને માન્ચેસ્ટરની કરુણાંતિકાઓ પછી યુકે ગમગીનીમાં એકસંપ થઈને રહ્યું હતું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter