ક્વીનનો સ્તુત્ય નિર્ણયઃ શાહી પરિવારનું વાર્ષિક પ્રી-ક્રિસમસ લંચ રદ કર્યું

Wednesday 22nd December 2021 05:01 EST
 
 

લંડનઃ યુકેમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોનના કેસીસ સાતમા આસમાને જઈ રહ્યા છે ત્યારેક્વીન એલિઝાબેથ દ્વિતીયે આવકારદાયી નિર્ણય લઈને શાહી પરિવારનું પરંપરાગત વાર્ષિક પ્રી-ક્રિસમસ લંચ રદ કરવાની જાહેરાત કરી છે. આ લંચ ઈવેન્ટ આગામી મંગળવાર ૨૧ ડિસેમ્બરે યોજાવાનો હતો. ગયા વર્ષે પણ કોરોના મહામારીના નિયંત્રણોના કારણે આ લંચ કાર્યક્રમ રદ કરાયો હતો.

ક્વીન દ્વારા વિન્ડસર કેસલમાં આયોજિત પ્રી-ક્રિસમસ લંચમાં આશરે ૫૦ મહેમાનોને આમંત્રણ અપાવાનું હતું જેમાં, પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલ્લા, પ્રિન્સ વિલિયમ અને કેટ તેમજ બાળકોનો સમાવેશ થયાનું મનાય છે. જોકે, અમેરિકાસ્થિત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને આમંત્રણ અપાયું નથી.

૯૫ વર્ષીય ક્વીન ક્રિસમસની વાર્ષિક ઉજવણી કરવા સાન્ડ્રિંઘામ રહેવા જાય તેના એક સપ્તાહ અગાઉ પોતાના બાળકો, ગ્રાન્ડચિલ્ડ્રન અને ગ્રેટ-ગ્રાન્ડચિલ્ડ્રનની સાથે ભોજન કરે છે. સામાન્યપણે આ લંચ બકિંગહામ પેલેસમાં યોજાય છે પરંતુ, હાલ તેનું રિનોવેશન થઈ રહ્યું છે. ક્વીનની તેમના ૭૩ વર્ષના લગ્નના સાથી પ્રિન્સ ફિલિપ-ડ્યૂક ઓફ એડિનબરાની ગેરહાજરીમાં પ્રથમ ક્રિસમસ હશે. ક્વીનનો નિર્ણય ક્રિસમસમાં મેળમિલાપ અંગે લોકો આગવો નિર્ણય લઈ શકે તે પ્રકારનો પ્રાઈવેટ અને જાહેર વ્યક્તિ દ્વારા અનુકરણીય બની રહે તેવો છે.

યુકેમાં બુધવાર ૧૫ ડિસેમ્બરે નવા ૭૮,૬૧૦ કોવિડ કેસીસ નોંધાયા હતા જે મહામારીની શરૂઆત પછી સૌથી વધુ દૈનિક આંકડો છે. દરમિયાન, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકોને પોતાના સામાજિક સંપર્કોમાં સાવધાની રાખવા અનુરોધ કર્યો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ કાર્યક્રમો રદ કરી રહ્યા નથી. તેમણે સમગ્ર દેશને લોકડાઉનમાં ધકેલી રહ્યા હોવાનો ટોરી સાંસદોના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter