લંડનઃ હરવાફરવાની સમસ્યાના કારણે શાહી નિવાસસ્થાનોથી બહાર જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ દેખા દેતાં 96 વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના નામ પર રખાયેલી હાઇસ્પીડ ટ્રેન એલિઝાબેથ લાઈનનું ઉદ્ઘાટન કરવાં મંગળવાર 17 મેની સવારે પેડિંગ્ટન સ્ટેશને આવી પહોંચી સહુને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. તેમની ઉપસ્થિતિની આગોતરી જાહેરાત કરાઈ ન હતીરંતુ, તેઓ કદાચ આવી શકે છે તેમ આયોજકોને જણાવાયું હતું. વાસ્તવમાં અર્લ ઓફ વેસેક્સ- પ્રિન્સ એડવર્ડના હાથે આ લાઈનનું ઉદ્ઘાટન કરાવાનું હતું પરંતુ, છેલ્લી ઘડીએ તેમના નામની તક્તી હટાવી ક્વીનના નામની તક્તી લગાવી દેવાઈ હતી. એલિઝાબેથ લાઈન 24 મેથી જાહેર પ્રજા માટે ખુલ્લી મૂકાનાર છે
પાર્લામેન્ટના સ્ટેટ ઓપનિંગમાં હાજરી નહિ આપનારાં ક્વીન એલિઝાબેથ તેમના સાહી નિવાસસ્થાનોની બહાર ભાગ્યે જ જાય છે. તેમણે શુક્રવારે વિન્ડસર હોર્સ શોમાં હાજરી આપી હતી અને રવિવારે અન્ય રાઈડિંગ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, પ્રિન્સ ફિલિપના મેમોરિયલમાં હાજરી આપ્યા પછી વિન્ડસર એરિયાની બહાર પ્રથમ વખત તેમણે એલિઝાબેથ લાઈનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી આશ્ચર્ય સર્જ્યું હતું. તેઓ પ્રિન્સ એડવર્ડની સાથે વોકિંગ સ્ટિકના સહારે મંગળવારની સવારે 11.32 કલાકે પેડિંગ્ટન સ્ટેશને આવી પહોંચ્યાં હતાં. પ્રિન્સ એડવર્ડની સાથે ક્વીને એલિઝાબેથ લાઈન સત્તાવારપણે ખુલ્લી મૂકી હોવાની તક્તીનું અનાવરણ કર્યાં પછી તેઓ 10 મિનિટ સુધી રોકાયાં હતાં. ક્વીનને ઓઈસ્ટર કાર્ડના ઉપયોગથી ટિકિટ લેવાની પદ્ધતિ દર્શાવાઈ હતી. ક્વીને પેસેન્જર્સ ક્યાં પ્રવાસ કરી શકશે તેની પૂછપરછ પણ કરી હતી.
એલિઝાબેથ લાઈનનો પ્રોજેક્ટ ચાર વર્ષ મોડો થયો છે અને બજેટ કરતા 4 બિલિયન પાઉન્ડ વધુ ખર્ચ થયો છે. 14.8 બિલિયન પાઉન્ડના ખર્ચ સાથેના પ્રોજેક્ટમાં બર્કશાયરના રીડિંગ, વેસ્ટ લંડનના હીથ્રો એરપોર્ટથી એસેક્સના શેન્ફિલ્ડ અને રાજધાનીની મધ્યમાં થઈને સાઉથ-ઈસ્ટ લંડનના એબે વૂડ સુધીનો વિસ્તાર આવરી લેવાયો છે.
એલિઝાબેથ લાઈનનું નિર્માણ ૧૩ વર્ષથી ચાલી રહ્યું હતું. આ યોજના અનેક દાયકા સુધી ફાઈલોમાં કેદ રહી હતી. એન્જિનિયરિંગની મોટી ઉપલબ્ધિ મનાતી એલિઝાબેથ લાઈનમાં દસ નવા સ્ટેશન અને 67000 કિલોમીટર લાંબી સુરંગો છે. ભૂગર્ભીય ટ્રેન સુરંગો બનાવવા માટે 3 મિલિયન ટન માટી ખોદવામાં આવી છે. આ લાઈન ત્રણ વખત થેમ્સ નદીના નીચેથી પસાર થાય છે.લિવરપૂલ સ્ટેશનનું ખોદકામ કરતા સમયે કામદારોને વર્ષ 1569ની સામુહિક કબરો મળી આવી હતી. 1000 પુરાતત્વશાસ્ત્રીઓની ટીમે 3300 લોકોના હાડપિંજર બહાર કાઢ્યા હતા.


