લંડનઃ મહાનતા ખરીદી શકાતી નથી તે તો જન્મજાત હોય છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મહાનતાનો અનુભવ ૧૯ જુલાઈ, રવિવારે વિન્ડસર ગ્રેટ પાર્ક ખાતે સંતાનને પારણામાં રાખી લટાર મારી રહેલાં સ્કારલેટ વિન્સેન્ટ અને ટોબી કોરને થયો હતો. વિન્ડસર એસ્ટેટમાં વીકએન્ડ ગાળવા આવેલાં ક્વીન ઉતાવળે પોતાની જેગુઆર કાર હંકારી ચર્ચ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમના લોન્ગ વોક માર્ગમાં ટહેલતા યુવાન દંપતીને જરા પણ ડિસ્ટર્બ ન કરતા ઘાસવાળી ઢોળાવદાર પગથારી પર થઈને ગાડી હંકારી આગળ વધી ગયાં હતાં. તેમણે દંપતી સામે હાથ હલાવી સ્મિત પણ કર્યું હતું. બાળપણમાં નાઝી સેલ્યુટના વિવાદથી તનાવગ્રસ્ત હોવાં છતાં તેમણે દંપતી સામે હાથ હલાવી સ્મિત પણ કર્યું હતું.
ક્વીન રવિવારે ચર્ચમાં જવાં કારમાં નીકળ્યાં ત્યારે તેમનો માર્ગ ટહેલતા દંપતી અને સંતાનો દ્વારા અવરોધાયો હતો. આ દંપતી માર્ગથી બહાર જાય તેની રાહ જોયાં વિના ક્વીને પગથારી પરથી કાર હંકારી હતી. સ્કારલેટ વિન્સેન્ટ અને ટોબી કોરને જ્યારે ખબર પડી કે કોણે હાથ હલાવ્યો હતો ત્યારે તેઓ સ્તબ્ધ બની ગયા હતા. બકિંગહામશાયરના ગેરાર્ડ્સ ક્રોસનું રહેવાસી દંપતી તેમના ૧૧ મહિનાના પુત્ર સાથે પાર્કની મુલાકાતે આવ્યું હતુ. મિસ વિન્સેન્ટે પાછળથી જણાવ્યું હતું કે ક્વીન તે સપ્તાહે વિન્ડસર એસ્ટેટ ખાતે રોકાયાં હોવાની અમને જાણ ન હતી. અમે અમારી મસ્તીમાં હોવાથી તેમના માર્ગમાંથી ખસી જવાનો સમય પણ રહ્યો ન હતો. આથી, તેમને ફંટાઈને જવું પડ્યું હતું.તેમણે અમારી સામે હસીને હાથ પણ હલાવ્યો હતો.
ક્વીન સારા ડ્રાઈવર છે અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ વિમેન્સ ઓક્ઝિલરી ટેરિટોરિયલ સર્વિસમાં મિકેનિક પણ હતાં. તેઓ તેમની સેન્ડ્રિંગ્હામ એસ્ટેટ પર કાર હંકારતાં નજરે પડે છે અને વિન્ડસર એસ્ટેટમાં રોયલ લોજ નજીક આવેલા ચર્ચમાં જવા ડ્રાઈવ કરે છે. યુકેમાં લાયસન્સ વિના વાહન હંકારવાની પરમિશન એક માત્ર ક્વીનને છે.