ક્વીને ૯૫મા જન્મદિને દેશનો આભાર માન્યો

Wednesday 28th April 2021 05:22 EDT
 
 

લંડનઃ જીવનસાથી પ્રિન્સ ફિલિપના અવસાન પછી ક્વીન એલિઝાબેથે ૨૧ એપ્રિલે પોતાનો ૯૫મો જન્મદિન પ્રથમ વખત એકલાં જ વીતાવ્યો હતો. તેમણે પ્રિન્સ પિલિપના અવસાન નિમિત્તે સપોર્ટ અને સહાનુભૂતિ દર્શાવવા બદલ દેશનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ૯૫મા જન્મદિને પોતાના દુઃખની વાત કરી હતી અને ઉમેર્યું હતું કે લોકોના શુભકામનાના સંદેશાઓ તેમના હૃદયને સ્પર્શી ગયા હતા.

ક્વીન એલિઝાબેથે જણાવ્યું હતું કે,‘આજે મારા ૯૫મા જન્મદિન નિમિત્તે મને શુભકામના દર્શાવતા અનેક સંદેશા પ્રાપ્ત થયા છે જેની હું કદર કરું છું. એક પરિવાર તરીકે અમે દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે યુનાઈટેડ કિંગ્ડમ ઉપરાંત, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વમાંથી મારા પતિને અપાયેલી શ્રદ્ધાંજલિઓ જોવા અને સાંભળવાનું રાહતરુપ બની રહ્યું. મારો પરિવાર અને હું તાજેતરના દિવસોમાં અમારા પ્રત્યે દર્શાવાયેલા સપોર્ટ અને સહાનુભૂતિ બદલ સહુનો આભાર વ્યક્ત કરે છીએ. આ અમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગયું છે અને પ્રિન્સ ફિલિપે પોતાના જીવનકાળમાં અસંખ્ય લોકો પ્રતિ અસાધારણ અસર ઉપજાવી છે તેની સતત યાદ અપાવી છે.’

ક્વીને દાયકાઓ પછી પોતાના સમર્પિત જીવનસાથીની હાજરી વિના પોતાનો ૯૫મો જન્મદિન એકલા વીતાવ્યો હતો. જન્મદિને ક્વીનની પ્રથમ મુલાકાત લેનારાઓમાં પ્રિન્સેસ એન અને સોફી વેસેક્સ હતાં. તેમના જન્મદિન નિમિત્તે તેમના એકલાની તસવીર જારી કરવામાં આવી હતી અને તેમની આંકોમાં ડોકિયા કરતી ઉદાસી અને એકલતા છવાયેલી હતી. રોયલ ફેમિલીના ઈન્સ્ટાગ્રામ પેજ પર ક્વીનની કોટ અને હેટ પહેરલી સહાસ્ય તસવીર મૂકી હતી. ક્વીન બે વર્ષથી તેમનો જન્મદિન ઉલ્લાસથી ઉજવી રહ્યાં નથી. મહામારીના કારણે જૂનમાં આવતો અને ટ્રુપિંગ ધ કલર તરીકે ઓળખાતો સત્તાવાર જન્મદિન સતત બીજા વર્ષે રદ કરવામાં આવ્યો છે.

ગત શનિવારે પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પછી ક્વીન અને ૨૯ શોકાતુરો વિન્ડસર કેસલ પરત ફર્યા હતા. શાહી પરિવારના સભ્યો શોકના ગાળામાં ક્વીનને સધિયારો આપી રહ્યા છે અને તેમની મુલાકાત લેતા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter