ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટને સર્વોચ્ચ પ્રાથમિકતા

બ્રિટનને પૃથ્વી પરનું સૌથી મહાન રાષ્ટ્ર બનાવવા બોરિસ જ્હોન્સનની પ્રતિજ્ઞાઃ ઈમિગ્રેશન સિસ્ટમમાં પરિવર્તન, પેન્શન્સ સ્કીમ સહિત નવા ૨૬ બિલ્સ

Wednesday 16th October 2019 03:12 EDT
 
 

લંડનઃ યુકે પાર્લામેન્ટના નવા સત્રનો ૧૪ ઓક્ટોબરથી આરંભ કરતા મહારાણીના વક્તવ્યમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સરકારના આગામી પગલાંઓનો ચિતાર આપવામાં આવ્યો છે. ડ્યૂક ઓફ એડિનબરાએ સત્તાવાર ફરજોમાંથી નિવૃત્તિ લીધી હોવાથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની સાથે પ્રિન્સ ચાર્લ્સ હાજર રહ્યા હતા. ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટને સરકારની પ્રાથમિકતા ગણાવી તેને પરિપૂર્ણ કરવાની તેમજ ખુલ્લાં અને મુક્ત વ્યાપારના દેશના સર્જનની વાત કરાઈ છે. બોરિસ જ્હોન્સને બ્રિટનને પૃથ્વી પરના સૌથી મહાન રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સરકારે આ સંબોધનમાં કાયદો અને વ્યવસ્થા, NHS અને પર્યાવરણમાં સુધારા, પોઈન્ટ્સ સિસ્ટમ દાખલ કરવા સાથે ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન, અપરાધીઓ માટે વધુ સખત સજાના કાયદા, પેન્શન્સ સ્કીમ સહિત નવા ૨૬ બિલ્સ રજૂ કરવાની ઈચ્છા દર્શાવી છે. જોકે, વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સહિતના ટીકાકારોએ સરકારની કોઈ બહુમતી નથી અને ચૂંટણીનો સામનો કરવાનો છે ત્યારે આ વક્તવ્યને ફારસ અને રાજકીય પ્રસારણ ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઈયુ સાથે સમજૂતી થશે કે નહિ તેની ભારે અસમંજસ વચ્ચે મંત્રણાકારો વાટાઘાટો ચલાવી રહ્યા છે. ઈયુ સાથે સમજૂતી થાય કે નહિ તેમ છતાં, લગભગ લઘુમતીમાં રહેલી સરકારને શનિવારે બ્રેક્ઝિટ મુદ્દે પાર્લામેન્ટમાં સાંસદોનો સામનો કરવાનો આવશે. બોરિસ સરકાર કોમન્સમાં બહુમતીથી આશરે ૪૦ મત દૂર છે ત્યારે ક્વીન્સ સ્પીચને મતદાનમાં પરાજિત કરાય તેવી સંપૂર્ણ શક્યતા છે. જોકે, આગામી સપ્તાહોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લેતાં આ દરખાસ્તો કન્ઝર્વેટિવ પાર્ટીના મેનિફેસ્ટોનો મહત્ત્વનો હિસ્સો બનશે તેમાં શંકા નથી.

બ્રેક્ઝિટને સર્વોચ્ચ પ્રાથમિકતા

ક્વીન્સ સ્પીચમાં ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી યુકેના બહાર નીકળવાની સર્વોચ્ચ પ્રાથમિકતાનો ઉલ્લેખ કરાયો છે. તેમણે કહ્યું હતું કે સરકાર ઈયુ સાથે મુક્ત વેપાર અને મૈત્રીપૂર્ણ સહકાર પર આધારિત નવી પાર્ટનરશિપ તરફ કામ કરવા ધારે છે. સરકારે ફિશિંગ, ફાર્મિંગ, વેપાર અને ફાઈનાન્સિયલ સર્વિસીસ સહિત બ્રેક્ઝિટ સંબંધિત સાત બિલ રજૂ કર્યાં છે. સરકાર ઈયુ સાથે સમજૂતી કરી શકે છે કે નહિ તેને અલગ રાખતા પણ શનિવારે લગભગ લઘુમતીમાં રહેલી સરકારને બ્રેક્ઝિટ મુદ્દે પાર્લામેન્ટમાં સાંસદોનો સામનો કરવાનો આવશે. બ્રસેલ્સમાં વાટાઘાટોમાં મડાગાંઠ પડી છે ત્યારે આઈરિશ ડેપ્યુટી વડા પ્રધાન સિમોન કોન્વેનીએ સમજૂતી હજુ શક્ય હોવાની આશા દર્શાવી હતી. બીજી તરફ, આ સપ્તાહે ઈયુ સાથે સમજૂતી શક્ય ન બને તો રીમેઈનર્સ બેન કાયદા અન્વયે વડા પ્રધાન જ્હોન્સને બ્રેક્ઝિટ લંબાવવા ઈયુ સમક્ષ રજૂઆત કરવી પડશે. હેલોવીન ડેડલાઈન પહેલા સમજૂતી ન થાય તો બે એક્ટની શરતો અનુસાર જ્હોન્સને ઈયુ દ્વારા જે પણ સમયવધારો આપવામાં આવે તે સ્વીકારવો પડશે. પાર્લામેન્ટની આ બેઠક દરમિયાન જ કેટલાક રીમેઈનર્સ સાંસદો બ્રેક્ઝિટને અવરોધવા સેકન્ડ રેફરન્ડમ માટે સરકારને ફરજ પાડવાની યોજનામાં આગળ વધી રહ્યા છે. આ સંદર્ભે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કહેવાયું હતું કે ઘણા સાંસદોએ ૨૦૧૬ના જનમત પરિણામને કદી સન્માન આપ્યું નથી. જ્હોન્સને નિવેદનમાં જણાવ્યું હતું કે લોકો બ્રેક્ઝિટ પૂર્ણ થવામાં હવે રાહ જોવાં માગતાં નથી. આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં લોકશાહીની સૌથી મોટી કવાયતમાં ૧૭.૪ મિલિયન લોકોએ જે રણભેરી જગાવી હતી તેનો ઉત્તર હવે વાળીશું.

હું હોદ્દો નહિ છોડુઃ બોરિસનો હુંકાર

જો સાંસદો આગામી સપ્તાહે પાર્લામેન્ટમાં મતદાન દરમિયાન ક્વીન્સ સ્પીચને ફગાવી દેશે તો પણ વડા પ્રધાન પદ નહિ છોડવાનો હુંકાર વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કર્યો છે. જો સાંસદો સ્પીચને ફગાવી દેશે તો ૧૯૨૪ પછી તે પ્રથમ ઘટના બની રહેશે જ્યારે, ટોરી વડા પ્રધાન સ્ટેનલી બાલ્ડવિનને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્હોન્સનના સત્તાવાર પ્રવક્તે જણાવ્યું હતું કે સાંસદો ક્વીન્સ સ્પીચ વિરુદ્ધ મતદાન કરશે તો તેમણે પોલીસ, શાળાઓ અને હોસ્પિટલ્સ સહિત જાહેર સેવાઓને ભારે સમર્થન આપતી દરખાસ્તો શા માટે ફગાવી તેનો ખુલાસો આપવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટનો અર્થ છે કે ક્વીન્સ સ્પીચમાં પરાજય આપમેળે રાજીનામાનો આધાર બનતો નથી.

ગુનાખોરીનો અંત લાવવાની મહેચ્છા

બોરિસ સરકારે અપરાધીઓને સજા કરવાના નિયમોમાં ફેરફારની યોજના જાહેર કરી છે જેથી, હિંસા અને જાતીય હુમલાઓ, બાળ યૌનશોષણ, ડોમેસ્ટિક વાયોલન્સ અને ગેરકાયદે ઈમિગ્રેશન સહિતના ગંભીર ગુનાઓ માટે દોષિત અપરાધીઓને કઠોર સજાનો સામનો કરવો પડશે. અત્યારે મોટા ભાગના અપરાધીઓ તેની સજાનો અડધો ગાળો પૂર્ણ થવા સાથે મુક્ત થઈ શકે છે પરંતુ, સરકાર ઓછામાં ઓછી સજાનો ગાળો બે તૃતીઆંશ જેટલો વધારવા માગે છે. આ ઉપરાંત, પેરોલના નિયમો પણ વધુ કડક બનાવાશે. સરકાર ડીપોર્ટેશન આદેશનો ભંગ કરનારા વિદેશી અપરાધીઓ પર પણ તૂટી પડવા માગે છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિદેશી ક્રિમિનલ્સને આ દેશમાં ફરી પ્રવેશતા અટકાવવા અને તેમ કરનારાને લાંબો સમય જેલના સળિયા પાછળ ધકેલવાથી દેશ વધુ સલામત બનશે. દર વર્ષે આશરે ૪૦૦ વિદેશી અપરાધી ડિપોર્ટેશન આદેશનો ભંગ કરે છે તેમને સામાન્યપણે છ મહિનાની મહત્તમ સજા કરાય છે પરંતુ ૧૦ સપ્તાહમાં જ બહાર આવી જાય છે. મિનિસ્ટર આ સજાને ચોક્કસ વર્ષો સુધી લંબાવવા ધારે છે. જોકે, સમય માટે નિર્ણય લેવાયો નથી.

NHS માટે વધુ ભંડોળની દરખાસ્તો

સરકારે નેશનલ હેલ્થ સ્કીમને વધુ ભંડોળ આપવાની દરખાસ્તો પણ રજૂ કરી હતી. ક્વીન્સ સ્પીચમાં NHS હેલ્થ ઈન્વેસ્ટિગેશન્સ બિલનો સમાવેશ કરાયો છે જે, દર્દીઓની સલામતીની ચોકસાઈ માટે કાનૂની સત્તા સાથે નવી સ્વતંત્ર સંસ્થાની રચનાની જોગવાઈ કરે છે. સરકાર માનસિક આરોગ્ય સંભાળની દિશામાં પણ કામગીરી આગળ વધારશે. આ ઉપરાંત, વયસ્ક સામાજિક સંભાળ કટોકટીને હળવી બનાવવા માટે વધુ નાણા એકત્ર કરવા બે ટકાના કાઉન્સિલ ટેક્સ અંગે પરામર્શની દરખાસ્ત પણ કરી છે. આના પરિણામે સ્થાનિક સત્તાવાળાઓને ૫૦૦ મિલિયન પાઉન્ડ મળી શકશે. સરકારે નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૧૦.૫૦ પાઉન્ડ સુધી લઈ જવા સાથે લોકોનું જીવનધોરણ સુધારવાની દરખાસ્ત પણ કરી છે.

કોર્બીને સ્પીચને હાસ્યાસ્પદ ગણાવી

જ્હોન્સન અને કોર્બીન પાર્લામેન્ટમાં જવા સાથે સાથે ચાલતા હતા ત્યારે વડા પ્રધાને કોર્બીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કોર્બીને કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. કોર્બીને જોરદાર શબ્દોમાં આ સ્પીચની દરખાસ્તોને ‘ફારસ’ ગણાવી કહ્યું હતું કે વડા પ્રધાન બહુમતીથી ૪૫ મત દૂર છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટુંક સમયમાં ચૂંટણીની હાકલને ટેકો આપી શકે છે. જોકે, જ્હોન્સને પણ બ્રેક્ઝિટ વિશે અસ્પષ્ટ વલણ તેમજ શેડો ચાન્સેલર મેક્નેલ દ્વારા બળવાના અહેવાલો સંદર્ભે કોર્બીનની હાંસી ઉડાવી હતી. લેબરના શેડો હોમ સેક્રેટરી ડિઆન એબોટે કહ્યું હતું કે ભંડોળમાં કાપ મૂકનારી અને ગુનાખોરીને વધવા દેનારી ટોરી સરકારની આ દરખાસ્તો દંભી છે. લિબરલ ડેમોક્રેટ નેતા જો સ્વિન્સને પણ ક્વીન્સ સ્પીચને દેખાડો ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter