ક્વોરેન્ટાઈન થવાની તૈયારી સાથે જ વિદેશ પ્રવાસે જવાની સલાહ

Wednesday 26th August 2020 01:23 EDT
 
 

લંડનઃ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે વિદેશમાં રજાઓ ગાળવા જવા ઈચ્છતા બ્રિટિશ પર્યટકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશમાં પાછા ફરતા બે સપ્તાહ ક્વોરેન્ટાઈન થવાની તૈયારી સાથે જ આવો પ્રવાસ ખેડવો જોઈએ. સરકારે ક્રોએશિયા, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો અને ઓસ્ટ્રિયાને ફરજિયાત ક્વોરેન્ટાઈન લિસ્ટમાં મૂકી દીધા છે. આના પરિણામે, મોટી સંખ્યામાં બ્રિટિશ પર્યટકોએ સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા દેશ પાછા ફરવા દોડધામ મચાવી દીધી હતી. જોકે, પોર્ટુગલમાં કોરોના વાઈરસ કેસ ઘટવા સાથે તેને ફરી ક્વોરેન્ટાઈન મુક્ત યાદીમાં મૂકાયું હતું.

સરકારે કોરોના વાઈરસના કેસીસ વધ્યા છે તેવા ત્રણ દેશ ક્રોએશિયા, ટ્રિનિડાડ અને ઓસ્ટ્રિયાને ફરજિયાત ક્વોરેન્ટાઈન લિસ્ટમાં મૂકી દીધા હતા અને ક્વોરેન્ટાઈનથી બચવા તત્કાળ પાછા ફરવા માટે શનિવારની સમયમર્યાદા રાખી હતી. ક્રોએશિયામાં હાલ ૨૦,૦૦૦ બ્રિટિશ પ્રવાસી હોવાનું કહેવાયું હતું. ગુરુવારથી તેમણે તત્કાળ બ્રિટન પાછા ફરવા દોડધામ મચાવી હતી અને ક્રોએશિયાના સ્પીલ્ટ એરપોર્ટ પર પ્રવાસીઓ ઉમટ્યા હતા. પાછા ફરવા માટે વિમાનપ્રવાસના ભાડાંમાં પણ ભારે ઉછાળો જોવાં મળ્યો હતો.

બીજી તરફ, પોર્ટુગલમાં કેસ ઘટવા સાથે સરકારે ફરી તેને ક્વોરેન્ટાઈન મુક્ત યાદીમાં મૂક્યું હતું. આના પરિણામે, બ્રિટિશરો તેના એલ્ગ્રેવ જેવા રજા ગાળવાના લોકપ્રિય સ્થળોએ જઈ શકશે. જોકે, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે બ્રિટિશ પર્યટકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે અચાનક ક્વોરેન્ટાઈનમાં જવું પડે તેના માટે સજ્જ હો તો જ વિદેશ પ્રવાસ ખેડવો જોઈએ. એર બ્રીજ ગમે ત્યારે રદ થઈ શકે છે. તેમણે પોતાનું ઉદાહરણ આપ્યું હતું કે સરકારે જુલાઈમાં સ્પેન અંગે તત્કાળ ટ્રાવેલ એડવાઈસ બદલતા તેમણે ફરજિયાત બે સપ્તાહના  ક્વોરેન્ટાઈનનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ઈટાલીમાં પણ કોરોના વાઈરસ સંક્રમણમાં ભારે વધારો જોવા મળ્યો છે. જર્મનીમાં ૨૪ કલાકમાં નવા ૧૭૦૭ કોરોના કેસ જોવા મળ્યા હતા જે, એપ્રિલ પછી સૌથી ઊંચો દૈનિક દર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter