લંડનઃ કથિત ક્વોલિફિકેશન ફ્રોડની તપાસ ચાલી રહી હોવા છતાં સેંકડો નર્સો એનએચએસમાં ફરજ બજાવી રહી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 700 કરતાં વધુ નર્સ ઝડપાઇ ચૂકી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના પૂર્વ વડાએ ચેતવણી આપી છે કે આ પ્રકારની નર્સો એનએચએસની હોસ્પિટલોમાં દર્દીઓને જોખમમાં મૂકી રહી છે.
યુકેમાં નર્સ તરીકે રજિસ્ટર્ડ થવા અને જોબ મેળવવા માટે લેવાતી પરીક્ષામાં નાઇજિરિયામાં સેંકડો નર્સો વતી પ્રોક્સી લોકોએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. પીટર કાર્ટર કહે છે કે નર્સો વતી પ્રોક્સી દ્વારા પરીક્ષા અપાતી હોવાના અહેવાલો અત્યંત ચિંતાજનક છે. જો તેમાં કોઇ સંગઠનની સંડોવણી હોય, તેઓ નર્સોને આ પરીક્ષા બાયપાસ કરવાની સગવડ કરી આપતા હોય તો આ એક ગંભીર બાબત છે. આ ફ્રોડ ઘણું મોટું હોઇ શકે છે.
પીટર કાર્ટરે આરોગ્ય સેવાની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ દ્વારા લેવાયેલાં પગલાંની પ્રશંસા કરી છે. તેઓ કહે છે કે યુકેમાં કામ કરવા આવતી નર્સો યોગ્ય લાયકાત ધરાવતી હોવી જોઇએ, કાર્ડિયાક એરેસ્ટ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની ક્ષમતા ધરાવતી હોવી જોઇએ.


